25 July 2017

નવસારીમાં બાંધકામોની પરવાનગી અટવાઈ


નૂડામાંથી બાંધકામ અંગેની સત્તા નવસારી નગરપાલિકા હસ્તરાંતર થયાને બે મહિના થવા છતાં પાલિકા નગર વિકાસ સમિતિ જેવી સમિતિ હજુ બનાવી ન શકતા શહેરના બાંધકામોની પરમિશન હાલ અટવાઈ છે.નવસારી શહેરના બાંધકામ સંલગ્ન સત્તા અગાઉ નગરપાલિકા પાસે હતી. બાંધકામની પરમિશન અગાઉ પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી (ટીપી કમિટી) આપતી હતી. આ કમિટીમાં પાલિકાના સુધરાઈ સભ્યો ઉપરાંત પ્રાંત અધિકારી, નગર નિયોજક જેવા અધિકારીઓ પણ હતા.

નૂડામાંથી પાલિકા હસ્તક સત્તા આવ્યા છતાં બાંધકામની પરવાનગી આપવાની શરૂઆત થઈ નથી
જોકે ડિસેમ્બર 2015માં સરકારે નવસારી અર્બન ડેવલપમેન્ટ એજન્સી (નૂડા)ની જાહેરાત કરતા અનેક ગામોની સાથે નવસારી પાલિકા હદ વિસ્તારને પણ નૂડામાં સમાવી લેવાયું હતું. જેથી નવસારી શહેરના બાંધકામ સંબંધી (પરમિશન, સીસી, ગેરકાયદે બાંધકામો સામેના પગલા લેવા) સત્તા નૂડા પાસે ગઈ હતી. લગભગ દોઢ વર્ષ જેટલો સમય નૂડા પાસે જ નવસારીના બાંધકામોની સત્તા હતી.આ દરમિયાન તાજેતરમાં 25મી મેના રોજ સરકારે અચાનક જ નવસારી પાલિકા હદ વિસ્તારની બાંધકામ જેવી સત્તા નૂડામાંથી પુન: પાલિકા હસ્તક કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. નૂડામાંથી પાલિકા હસ્તક સત્તા આવતા બાંધકામ સંલગ્ન નિર્ણય ઝડપથી લેવાયાની શક્યતા જોવાઈ હતી.

નૂડામાંથી 35થી 40 બાંધકામ પરવાનગીની ફાઈલો પણ પાલિકા હસ્તક આવી હતી. જોકે બાંધકામ સંલગ્ન નિર્ણયો લેવા માટે નગર વિકાસ સમિતિ જેવી ગઠન કરવું અનિવાર્ય છે જે સમિતિનું ગઠન પાલિકાની સામાન્ય સભાએ કરવું પડે છે. હાલમાં મળેલી પાલિકાની સામાન્ય સભામાં સમિતિના ગઠનની આશા હતી પરંતુ તે ઠગારી નિવડી હતી. સમિતિ ન બનતા અનેક બાંધકામોની પરવાનગી આપવાનો મામલો પુન: વિલંબાયો છે. આ અંગે નવસારી પાલિકાના ચીફ ઓફિસર રમેશ જોષીએ જણાવ્યું કે નવસારી પાલિકામાં નગર વિકાસ સમિતિ જેવી સમિતિનું ગઠન કરવું પડશે, જે નજીકના સમયમાં થઈ જશે.

સમિતિના ગઠનમાં ખેંચતાણ
બાંધકામોની પરમિશન આપવા માટે નવસારી પાલિકાએ નગર વિકાસ સમિતિની રચના કરવી જરૂરી છે. આ સમિતિમાં સરકારી અધિકારી ઉપરાંત ચૂંટાયેલા કોર્પોરેટરોનો સમાવેશ થવાની શક્યતા છે. જોકે પાલિકા સમિતિ બનાવી શકી નથી. મળતી માહિતી મુજબ સમિતિના ગઠનને લઈ ભારે ખેંચતાણ ચાલી રહી છે. રાજકીય પક્ષોમાં સમિતિના સભ્યોના નામને લઈને વાદવિવાદ તો છે જ સાથે એક વર્ગ પોતાના બાંધકામોના હિત સચવાય તે માટે માનીતા સભ્યોને સમિતિમાં ગોઠવવા જોર લગાવી રહ્યાની જાણકારી પણ મળી છે.