25 July 2017

ચકચારી શિતલ મર્ડર કેસમાં આરોપી જયેશના રિમાન્ડ અંગે આજે ઓર્ડર થશે


નવસારીના બહુચર્ચિત શિતલ હત્યા કેસમાં સેશન્સ કોર્ટ મંગળવારે આરોપીના પોલીસ રિમાન્ડ સંદર્ભે ઓર્ડર કરશે.

નવસારીમાં જમાલપોર ખાતે સર્વોદયનગર સોસાયટીમાં રહેતી શિતલ દેસાઈની હત્યા કરાયેલી લાશ તેના બેડરૂમમાંથી મળી આવી હતી. ઘટનામાં સૌ પ્રથમ નવસારી ગ્રામ્ય પોલીસે આપઘાત કર્યાની નોંધ લીધી હતી. પાછળથી એફએસએલ રિપોર્ટને આધારે પ્રકરણમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. કેસમાં પોલીસે હત્યાના આરોપસર નાની ચોવીસીના જયેશ હળપતિ નામના યુવાનની અટક કરી હતી. પોલીસે તેના હત્યાના ગુનામાં નીચલી કોર્ટમાંથી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે આરોપીના વકીલ ગડઅંકુશે દલીલો કરતા આખરે રિમાન્ડ આપ્યા હતા અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. આથી નવસારી ગ્રામ્ય પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આજે સોમવારે તેનું હિયરિંગ થયું હતું. જેમાં સરકાર તરફે સરકારી વકીલ તુષાર સુળેએ આજે ધારદાર દલીલો કરી અને આરોપીના રિમાન્ડ આપવા શા માટે જરૂરી છે તે અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હત્યા જેવા સંગીન ગુનામાં આરોપી પાસેથી હજુ જેની હત્યા થઈ હતી તેનો મોબાઈલ ક્યાં છે. આરોપી પાસેથી બનાવ સમયના કપડા, મૃતક શીતલના મોબાઈલનો સીમકાર્ડ ઉપરાંત આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે પંચનામુ કરવાનું પણ બાકી છે ત્યારે પોલીસને રિમાન્ડ આપવા જરૂરી છે.

સામે પક્ષે આરોપી તરફે એડવોકેટ પ્રદીપ ગડઅંકુશે આરોપીના રિમાન્ડ નહીં આપવા અપીલ કરતી દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી લીધા બાદ મંગળવારે શિતલ હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ અંગેનો ઓર્ડર કરાશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી ગ્રામ્ય પોલીસે આ શિતલ હત્યા કેસમાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મેળવાવા માટેની અરજી કરી છે.

પોલીસ તપાસ મક્કમતાથી વધી રહી છે 
શિતલ હત્યા કેસમાં હત્યાના આરોપસર ઝડપી પાડેલા આરોપી સામે પોલીસ પુરાવા એકત્ર કરવા મક્કમતાથી આગળ વધી રહી છે. ઉપરાંત પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ ચાલુ છે. - આર.એસ.ડોડીયા, પીઆઈ, ગ્રામ્ય પોલીસ મથક