26 July 2017

શીતલ હત્યા કેસની તપાસ CID ક્રાઈમને સોંપવા માંગ


નવસારીના બહુચર્ચિત શિતલ હત્યા કેસમાં સેશન્સ કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ તપાસ આગળ ધપાવી શકશે. જોકે રિમાન્ડ પહેલા અને રિમાન્ડ પૂર્ણ થયા પછી આરોપીનો મેડિકલ ટેસ્ટ કરવા આરોપીના વકીલે અનુરોધ કરતા તેનો મેડિકલ કરાશે.

શિતલ દેસાઈ હત્યા કેસમાં આરોપી જયેશ હળપતિના પરિવારજનોએ આજે તપાસ કરી રહેલા સ્થાનિક પોલીસ સામે અવિશ્વાસ દાખવી તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવાની માગ કરી રહી છે.

જમાલપોરની પરીણિતા શિતલ દેસાઈની હત્યા કેસની તપાસ ગ્રામ્ય પોલીસ એલસીબીનો સાથ લઈ કરી રહી છે. જોકે આજે મંગળવારે હત્યા કેસના આરોપી જયેશ બાબુભાઈ હળપતિના પરિવારજનોએ તપાસ ટીમ સામે અવિશ્વાસ બતાવ્યો હતો. જયેશના ભાઈ કૌશિક હળપતિએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું કે શિતલ હત્યા કેસમાં જયેશની ધરપકડ ખોટી રીતે કરાયેલી છે. પોલીસે સાચા હત્યારાને શોધવા જોઈએ તેને બદલે તેઓ આદિવાસી ગરીબ કુટુંબને મહોર બનાવી તપાસ અયોગ્ય દિશામાં થઈ રહી છે. તેઓએ એમ પણ જણાવ્યું કે પોલીસે જયેશને 20મી જુલાઈએ ઉંચકી મારમારી ગુનો કબૂલાત કરાવવાની કોશિશ કરી છે. પરિવારજનોએ ગ્રામ્ય પોલીસ અને એલસીબીની તપાસ ઉપર વિશ્વાસ હોવાનું જણાવી પારદર્શક તપાસ થાય તે માટે કેસ સીઆઈડી ક્રાઈમને સોંપવાની માગ કરી છે. જયેશના પરિવારજનોએ કલેકટર ઉપરાંત રેંજ આઈજી, ગૃહ રાજ્યમંત્રીને પણ બાબતે પત્ર લખ્યાનું જણાવ્યું છે.