27 July 2017

શીતલ કેસમાં આરોપીના રિમાન્ડ દરમિયાન મોબાઈલ મળી આવ્યો

શીતલ દેસાઈ હત્યા કેસમાં મહત્વનો પુરાવો એવો મરનાર શીતલનો મોબાઈલ આજે બુધવારે મળી આવ્યાનું પોલીસે જણાવ્યું છે.

નવસારી નજીકના જમાલપોરની પરીણિતા શીતલ દેસાઈની હત્યા 12મી જુલાઈએ થઈ હતી. હત્યા કેસના આરોપી તરીકે પોલીસે નાની ચોવીસી ખાતે રહેતા જયેશ બાબુભાઈ હળપતિની અટક કરી હતી. આરોપી જયેશની રિમાન્ડ અરજી નીચલી કોર્ટે નામંજૂર કરતા પોલીસે નવસારીની સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપી જયેશના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રિમાન્ડ દરમિયાન નવસારી ગ્રામ્ય પોલીસના પીઆઈ ડોડિયા, એલસીબી પીઆઈ ડી.એન. પટેલ, એસઓજી પીઆઈ એ.એસ. પાટીલ સાથે આરોપી જયેશની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જયેશે મરનાર શીતલના મોબાઈલ ફોનની લૂંટ કરી જ્યાં નાંખેલ હતો તે જગ્યા ગણેશ સિસોદ્રામાં આવેલી વિરાટ ઈન્ડસ્ટ્રીઝની સામેની થીસ કંપની નજીકના સર્વિસ રોડની બાજુમાં નાળામાં સર્ચ કરતા ત્યાંથી મળી આવ્યો હતો. મોબાઈલ શીતલના પતિ પ્રતિકને બતાવતા તેણે મોબાઈલ ઓળખી બતાવ્યો હતો અને મોબાઈલ શીતલનો હોવાનું જણાવ્યું હતું. મોબાઈલ ફોન મહત્વનો પુરાવો પોલીસે એકત્રીત કર્યાનું જણાવ્યું હતું. વધુમાં આરોપી જયેશની ઓળખપરેડ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ નવસારી સમક્ષ કરાવવામાં આવી હતી. કેસમાં તપાસ દરમિયાન જયેશ જે રસ્તાઓ ઉપરથી પસાર થયેલો તે રસ્તા ઉપરથી સીસીટીવી ફૂટેજ મેળવતા આરોપી જયેશની હાજરી પણ જણાઈ આવ્યાનું પણ પોલીસે જણાવ્યું છે.