28 July 2017

નવસારીમાં બહુચર્ચિત શીતલ હત્યાનું રિકન્સ્ટ્રકશન કરાયું


નવસારીના બહુચર્ચિત શીતલ દેસાઈ હત્યા કેસમાં એફએસએલ ટીમને સાથે રાખી આરોપીને ઘટનાસ્થળે લઈ ગ્રામ્ય પોલીસે હત્યાની ઘટનાનું રિકસ્ટ્રકશન કર્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાનું વિડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. પોલીસે આરોપીને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નવસારીમાં જમાલપોર ખાતે આવેલી સર્વોદયનગર સોસાયટીમાં રહેતી શીતલ દેસાઈની નાની ચોવીસી ખાતે રહેતા આરોપી જયેશ હળપતિએ માત્ર રૂ. 300 માટે હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટના કેવી રીતે બની તે અંગે ઝીણવટભરી તપાસના ભાગરૂપે નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ આર.એસ.ડોડીયા તેમની સાથે એલસીબી પીઆઈ ડી.એન. પટેલ સહિત જિલ્લા પોલીસે આરોપી વિરૂદ્ધ પુરાવા એકત્ર કરવાના શરૂ કર્યા હતા.

આરોપીના વધુ એક દિવસના રિમાન્ડ મેળવાયા
સૌથી મહત્ત્વપૂર્ણ મનાતા શીતલનો આઈફોન શોધી કાઢ્યો હતો. આ ઉપરાંત આરોપીને મોબાઈલની દુકાને શીતલનો મોબાઈલનું લોક ખોલાવવા લઈ ગયો હતો તે દુકાનદારે પણ ઓળખપરેડ દરમિયાન ઓળખી બતાવ્યો હતો. હવે પોલીસ માત્ર તેના કપડા રિકવર કરવા તરફ પ્રયાસ કરી રહી છે. સૌથી અગત્યનું પોલીસે આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસે આરોપીને સાથે રાખી તેનું પુનરાવર્તન કરાવડાવ્યું હતું. જેમાં આરોપીએ પોલીસને તમામ હકીકત વર્ણવી હતી. તેણે કબલ્યુ હતું કે તે પહેલા 10મીએ શીતલના ઘરે ધીરૂભાઈ સાથે પહોંચ્યો હતો.

ગીઝર રિપેરિંગ અંગે ચર્ચા કરી હતી એ પછી 11મીએ તે ગીઝર રિપેરિંગ કરવા જતા શીતલે તેને છત ઉપરથી પાણીનો નિકાલ નહીં થતા તે સાફ કરવા કહ્યું હતું. તેણે આવતીકાલે આવીશ તેમ કહી જતો રહ્યો હતો. 12મીએ તે તેના દુકાનદારને જાણ કર્યા વિના શીતલના ઘરે પહોંચી ગયો હતો અને બાઈક બહાર મુકી ઘરમાં જઈ કામ અંગે ચર્ચા કરી હતી. તેણે કામ બાદ રૂ. 400ની માંગણી કરી હતી. એ વખતે શીતલે તેને રૂ. 200 જ આપતા પૈસા બાબતે વિવાદ થયો હતો.

શીતલે વધુ રૂપિયા આપવા ના પાડતા આરોપીએ શીતલને ધક્કો મારી પાડી તકિયાથી તેનો શ્વાસ રૂંધી દીધો હતો અને તે પછી તેણે લેપટોપના વાયરથી તેનું ગળુ દબાવી દીધુ હતું, ત્યાંથી નહીં અટકી તેણે ઘરમાં જ પડેલું નાનુ ચાકુ શીતલના પેટના ભાગે મારી દીધુ હતું પરંતુ તે તૂટી જતા તેણે ટેબલ પર પડેલી કાતર લઈ વાયરનો એક છેડો પંખા સાથે બાંધી શીતલના પેટમાં ઉપરાછાપરી ઘા કરી દીધા હતા. એ દરમિયાન નોકરાણીનો અવાજ આવતા તે બેડરૂમમાંથી ટેબલ ઉપર પડેલા પર્સમાથી પૈસા લઈને આગળના દરવાજેથી બહાર નીકળી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરી પોલીસે આરોપીને સાથે રાખી તેનું વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું.

6 જગ્યાએ સીસીટીવી ફૂટેજમાં આરોપીની હાજરી
એફએસએલની ગાઈડલાઈન પ્રમાણે નવસારી પોલીસે આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાના પ્રયાસ કર્યા હતા. જેમાં 6 જગ્યાએ તે સીસીટીવી ફૂટેજમાં તે કેદ થયો છે. તે ફૂટેજ મેળવી પોલીસે સુરત એફએસએલને સુપરત કર્યા છે. આરોપી ઘટનાસ્થળેથી નીકળી ઈંટાળવા, સિસોદ્રા, ગ્રીડ અને ત્યાંથી કબીલપોર પહોંચ્યો હતો.