28 July 2017

નદીઓ ગાંડીતૂર બનતા રાત્રે નવસારીમાં ઘૂસ્યું પાણી, લોકોના થયા આવા હાલ


ઉપરવાસ પડેલા વરસાદને કારણે નવસારી જીલ્લાની લોકમાતા નદી ગાંડીતુર થઈ છે. શહેરની પૂર્ણાનદી અને ગણદેવીની અંબિકા નદીની સપાટીઓ વધી જતાં શહેરના નીચાણવાળા ભેસતખાડા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત કાશીવાડી, દસેરા ટેકરી શાંતાદેવી, બાપુનગર સાથે સી.આર પાટીલ સંકુલમાં પાણી ફરી વળ્યા છે. શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રકાશ ટોકીઝ પાણીમાં ડૂબી ગઈ છે જ્યારે બંદર રોડ પાણી ભરાય ગયા છે. ગણદેવી તાલુકાના ચાર જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. બીલીમોરા શહેરના બંદર રોડ પર આવેલા વસાહતમાં 20 ઘરોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને વરસાદના પાણી વધુ ભરાય શકે તેવી સુચનાઓ પણ આપી છે. સમગ્ર જિલ્લામાં 900થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયું છે. મહત્તમ લોકોએ પોતાની ઘરવખરી લઈને ઓટલાઓ પર રાતવાસો કર્યો છે.