29 July 2017

નવસારી ફાયરબ્રિગેડની ટીમે 6 વ્યકિતના જીવ બચાવ્યા

નવસારી પંથકમાં પૂરની સ્થિતિમાં પાલિકાના ફાયરબ્રિગેડે બે બનાવમાં કુલ 6 જણાંને ઉગારી તેમના જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. નવસારી પંથક નજીકથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદીમાં પૂર આવતા પંથકના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આવો જ એક વિસ્તાર શહેરની પશ્ચિમે આવેલો બંદર રોડ છે.બંદરરોડ ઉપર પાલિકાની કચરાની સાઈટ છે ત્યાં કચરામાંથી ખાતર બનાવવાની કામગીરીમાં મજૂરો પણ જોતરાયેલા છે. આમાંના ત્રણ મજૂરો બંદરરોડ ઉપર પાણી ભરાતા ફસાઈ ગયા હતા ત્યાં ફસાયેલ મજૂરોને નવસારી પાલિકાની ફાયરબ્રિગેડની ટીમે પહોંચી સલામત બહાર કાઢ્યા હતા.

6 મજૂરો પાણીમાં ફસાયા હતા
અન્ય એક ઘટના નવસારી શહેર નજીકના રામલામોરા વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં રહેતા 79 વર્ષીય શરદભાઈ કાળાભાઈ હળપતિ, તેની પત્ની પાર્વતીબેન અને પુત્ર મુકેશ ઝુંપડામાં રહેતા હતા એ ઝૂંપડાની ચારેકોર પૂરના પાણી પ્રવેશતા ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડના તરવૈયાઓ ત્યાં લાઈફ જેકેટ સાથે પહોંચી મુશ્કેલીમાં મુકાયેલા એક જ કુટુંબના ત્રણ જણાંને સહીસલામત બહારકાઢ્યા હતા.