વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીમાં વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા શૈલેષભાઈ મોદી અને અન્ય શખ્સ વચ્ચે અકસ્માત સંદર્ભે બોલાચાલી થઈ હતી. તેની અદાવત રાખી વકીલ સાથે બોલાચાલી કરનારના માણસો વકીલ શૈલેષ મોદીની દાબુ હોસ્પિટલ સામે આવેલી દુકાન ઉપર સાંજના સમયે ધસી આવ્યા હતા અને તેમના ઉપર હુમલો કરી દીધો હતો. ટોળામાં આવીને 10 જેટલા યુવાનો વકીલ ઉપર તૂટી પડ્યા હતા અને તેમને માર માર્યો હતો.
ઘટનાને લઈ અન્ય લોકો પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. હુમલાખોરો વકીલને મારમારી ઘટનાસ્થળેથી રફૂચક્કર થઈ ગયા હતા. ઘટનાનો ભોગ બનેલા વકીલ શૈલેષભાઈ મોદીએ તેમના ઉપર હુમલો કરનારાઓ સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાની માહિતી સાંપડી છે. વકીલ ઉપર થયેલા હુમલાને લઈ ઘટના નવસારીમાં ટોક ઓફ ટાઉન બની હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી સાંપડી છે.