31 July 2017

વિજલપોરમાં રેલવે ઓવરબ્રિજનાં વિલંબથી હાલાકી


વિજલપોરમાં રેલવે ઓવરબ્રીજ બનાવવામાં વિલંબ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.હાલ ચોમાસાની સિઝનમાં રેલવે ગરનારામાં અવારનવાર પાણી ભરાઇ જતા હોવાને કારણે અવરજવર બંધ થઇ જતી હોવાને કારણે હાલાકી ભોગવતા નગરજનો તથા વિજલપોર પાલિકાનાં ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલે જલ્દીથી બ્રીજ બનાવવાની માંગ કરી છે.

વિજલપોર શહેરમાં રેલવે ફાટક બંધ હોવાની સ્થિતિમાં વાહનચાલકો નજીકના રેલવે ગરનાળામાંથી અવરજવર કરે છે.જોકે હાલ ચોમાસાની મોસમમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાઇ જતા વાહનોની અવરજવર બંધ થઇ જાય છે અને રેલવે ફાટક ઉપર ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય છે.આ સ્થિતિમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રેલવે ઓવરબ્રીજ તાકીદે બનાવવાની જરૂરિયાત ઉભી થઇ છે.વિજલપોર પાલિકાનાં ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલે અંગે હાલમાં વિજલપોર પાલિકામાં લેખિત રજુઆત કરી છે.

વિજલપોર પાલિકાનાં પ્રમુખ ચીફ ઓફિસરને કરેલ રજુઆતમાં ધર્મેશ પટેલે જણાવ્યું કે સને 2008 થી 2013નાં સમયગાળામાં વિજલપોર પાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે વિજલપોરમાં રેલવે ઓવરબ્રીજની સૈધ્ધાંતિક મંજુરી મેળવાઇ હતી.વિજલપોર નગરપાલિકાને 13 કરોડ રૂપિયાની ફાળવણી પણ થઇ હતી.હાલમાં ભાજપના સાંસદ છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતાં ઓવરબ્રીજ બનાવવામાં મુશ્કેલી પડે છે.વિજલપોર ફાટક ઉપરથી દાંડી,મટવાડ સહિત અનેક ગામડાઓમાંથી અવરજવર થાય છે ત્યારે ફાટક બંધ હોય ત્યારે વાહનોની લાંબી કતારો લાગે છે અને ટ્રાફિક સમસ્યા સર્જાય છે.આ સ્થિતિમાં યુધ્ધના ધોરણે રેલવે ઓવરબ્રીજની કામગીરી કરવા માંગ કરી છે.