24 August 2017

નવસારી સિવિલ હોસ્પિટલમાં રોજના 900 કેસની ઓપીડી


નવસારીની સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રોજિંદા 900થી 1150 કેસો ઓપીડીમાં આવી રહ્યા છે. ચોમાસાની મોસમમાં આમ પણ માંદગીનું પ્રમાણ વધુ હોય છે, જેને લઈને જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ ગણાતી નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધે છે. આ સિઝનમાં ઓપીડી 700થી 800 થઈ જાય છે. જોકે હાલના દિવસોમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા ચોમાસામાં થતી સરેરાશ સંખ્યા કરતા વધી ગયાનું જાણવા મળ્યું છે.

વાયરલ કેસ વધુ, દર્દીની સંખ્યામાં વધારો
ઓપીડી કેસોની સંખ્યા 900થી 1150સુધીની થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસના સિવિલ હોસ્પિટલના ઓપીડી કેસોની સંખ્યા જોઈએ તો 21મીને સોમવારે 1143 કેસો નોંધાયા હતા. જેમાં જનરલ ઓપીડી જ 400થી વધુ તો હતી. બીજા દિવસે એટલે કે 22મીને મંગળવારે ઓપીડી કેસો 942 આવ્યા હતા અને આજે 23મીએ સવારના સમયે જ 716 કેસો નોંધાયા હતા. સંભવત: સાંજના સમય મળી આજે પણ કેસોની સંખ્યા 900ને વટાવી જવાની શક્યતા છે.

જિલ્લામાં સ્વાઈન ફલુમાં નવો કેસ નહીં
અન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં જ્યાં વધારો થયો છે ત્યાં હાલ છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં સ્વાઈન ફલુના નવા કેસ નોંધાયા નથી. હાલ સુધી જિલ્લામાં સ્વાઈન ફલુના કુલ કેસો 13 બહાર આવ્યા છે, જેમાંના એકનું મરણ થયું હતું. આરોગ્ય વિભાગે જિલ્લાભરમાં હાલ સ્વાઈન ફલુને અટકાવવા જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ઠેર ઠેર ઉકાળા પણ પીવડાવવામાં આવી રહ્યા છે.