19 August 2017

નવસારીનાં 22 ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થશે


નવસારી જિલ્લાના 22 જેટલા ગામોમાં બહુચર્ચિત બુલેટ ટ્રેન પસાર થશે. ગામોની જાણકારી સરકારમાંથી પ્રાપ્ત થઈ છે.

કેન્દ્ર સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેકટમાંનો એક પ્રોજેકટ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાનાર બૂલેટ ટ્રેનનો છે. બહુચર્ચિત બૂલેટ ટ્રેન માટેનો કરાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનીસ વડાપ્રધાન વચ્ચે થયો હતો. બૂલેટ ટ્રેન પ્રોજેકટનું ખાતમુહૂર્ત નજીકના સમયમાં થનાર હોવાની વાતો પણ વહેતી થઈ છે. બૂલેટ ટ્રેન નવસારી જિલ્લામાંથી પસાર થનાર છે ત્યારે નવસારીના જાગૃત નાગરિક વિનોદ દેસાઈ (સીએ)ને આરટીઆઈમાં કયા ગામોમાંથી ટ્રેન પસાર થનાર છે તેની પણ માહિતી અપાઈ છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પૂરી પડાયેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના 22 જેટલા ગામોમાંથી બૂલેટ ટ્રેન પસાર થશે. ગામોમાં ડાભેલ, ધામણ, વેજલપોર, પડઘા, આમડપોર, ધારાગીરી, નસીલપોર, સિસોદરા (ગણેશ), વાડા સિસોદરા, કછોલ, પીંજરા, માણેકપોર, ધનોરી, વડસાંગળ, ખેરગામ, દેસાડ, પાટી, કેસલી, નાંદરખા, ઘેકટી, વંકાલ અને ઉંડાચ વાણિયા ફળિયાનો સમાવેશ થાય છે. ગામોની નામાવલિ ફાયનલ છે યા પ્રાથમિક તબક્કો છે જાણી શકાયું નથી. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના પ્રોજેકટ માટે અસરગ્રસ્ત ગામોમા ખૂંટા મરાઈ ગયાનું જાણવા મળ્યું છે.

બૂલેટ ટ્રેન માટેના સરવેની પરવાનાગી અગાઉ સ્થાનિક વહીવટીતંત્રે આપી હતી. જોકે બૂલેટ ટ્રેન અંગેની યા તેના સરવે અંગેની કોઈપણ આગોતરા જાણકારી ગ્રામજનોને યા ગ્રામપંચાયતોને કરાઈ નથી. બાબતને લઈને મહત્તમ લોકો હજી બૂલેટ ટ્રેન અંગે અંધારામાં છે. બૂલેટ ટ્રેન અંગે જમીન સંપાદન અંગેની કામગીરી પણ હજુ શરૂ કરાયાની જાણકારી નથી.

નુડાના નકશામાં બૂલેટ ટ્રેનનો ઉલ્લેખ નહીં 
નવસારીજિલ્લામાં બૂલેટ ટ્રેન જ્યાંથી પસાર થવાની માહિતી અપાઈ છે તેમાં 7 ગામો તો નવસારી અર્બન ડેવલપમેન્ટ એજન્સી (નુડા)માં સમાવેલ છે. ગમોમાં ગણેશ સિસોદ્રા, નસીલપોર, ધારાગીરી, આમડપોર, પડઘા, વેજલપોર અને ધામણનો સમાવેશ થાય છે. સાત સાત ગામોમાંથી બૂલેટ ટ્રેન જવાની માહિતી છે ત્યારે નુડાએ જાહેર કરેલા 2037 સુધીન વિકાસ નકશા (ડી.પી.)માં આનો કોઈ ઉલ્લેખ દેખાતો નથી. તાજેતરમાં નુડાના વિરોધમાં ખેડૂતોનો મોરચો કલેકટર કચેરીમાં ગયો હતો ત્યારે કલેકટર રવિ અરોરા સમક્ષ બાબતની રજૂઆત વિનોદ દેસાઈ (સીએ)એ કરી હતી.