23 August 2017

જાહેરનામું છતાં POPની પ્રતિમાનું વેચાણ


પીઓપીની મૂર્તિઓનું વેચાણ કરવા સામે તથા વેચાણ કરનારાઓની મૂર્તિ જપ્ત કરવાના જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા છતાં નવસારીમાં ચાલુ સાલ પણ પીઓપીની મૂર્તિઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે.

ગણેશોત્સવ નજીક આવી ગયો છે ત્યારે નવસારી પંથકમાં પણ શ્રીજીની મૂર્તિઓનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સૂચન તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, સેન્ટ્રલ બેન્ચ, ભોપાલના હુકમના આધારે હાલમાં ગણેશજીની મૂર્તિઓ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામુ હાલમાં બહાર પાડ્યુ છે. જાહેરનામામાં શ્રીજીની પ્રતિમા સંદર્ભે અનેક હુકમ કરાયા છે. જેમાં એમપણ જણાવાયુ છે કે મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલિગત ચીકણી માટીનો ઉપયોગ કરવો. ભઠ્ઠીમાં સૂકવેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (પીઓપી)નો ઉપયોગ કરવો નહીં. મૂર્તિઓની બનાવટમાં બિનઝેરી કુદરતી રંગોનો ઉપયોગ કરવો અને ઝેરી ઉતરતી કક્ષાના સિન્થેટીક, રસાયણ કે કેમિકલ, ડાયયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહીં.

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા છતાં નવસારી પંથકમાં પીઓપીની મૂર્તિઓનો દબદબો ચાલુ વરસે પણ યથાવત રહ્યો છે. નવસારી-ગ્રીડ રોડ સહિત અનેક જગ્યાએ પીઓપીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. બીજી બાબત છે કે મેજિસ્ટ્રેટના જાહેરનામામાં એમ પણ જણાવાયું છે કે જાહેરનામાનો ભંગ કરી મૂર્તિકાર કે વિક્રેતા આવી પીઓપી યા અન્ય કેમિકલયુક્ત રંગોના ઉપયોગવાળી મૂર્તિઓ ધ્યાનમાં આવશે તો તે જપ્ત કરવામાં આવશે. જાહેરનામામાં જણાવાયા છતાં પીઓપી દ્વારા પર્યાવરણની દૃષ્ટિએ હાનિકારક મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું હોવા છતાં પગલાં લેવાયાનું જાણમાં નથી. અહીં ઉલ્લેખનીય છે કે બાબતનું જાહેરનામુ જિલ્લા મેજિસ્ટ્રેટ નવસારીએ 10મી ઓગસ્ટે બહાર પાડ્યું હતું.

કૃત્રિમ તળાવ માત્ર દેખાડો 
જિલ્લા મેજિસ્ટ્રેટ, નવસારીના તાજેતરના જાહેરનામામાં પીઓપી ઉપર પ્રતિબંધાત્મક આદેશો કરવાની સાથે આવી મૂર્તિઓના વિસર્જન અંગે પણ આદેશ કરાયા છે. જેમાં પીઓપીની મૂર્તિઓ વિસર્જન સમયે નદી-તળાવના કિનારે પૂજનવિધિ કરી નદી-તળાવના કિનારે રાખવી અને નદી-તળાવમાં પધરાવવી નહીં. કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહીં. પીઓપીના વિસર્જન અંગે કૃત્રિમ તળાવનું દિશાસૂચન થતા નવસારીમાં પૂર્ણા નદીના કિનારે પણ કૃત્રિમ તળાવ બનાવાય છે. જોકે તળાવ ખુબ નાનું હોય છે અને તેમાં બધી પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન થઈ શકે માની શકાય એમ નથી !