25 August 2017

GSTના કારણે નવસારી જિલ્લામાં ખાદીને ફટકો


ખાદી ઉપર સરકારે પ્રથમ ‌વખત વેરો નાંખતા નવસારીમાં પ્રથમ મહિને જ ખાદીના વેચાણમાં 20 ટકા ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે ગાંધીવાદીઓએ જિલ્લા કલેકટર કચેરીએ જઈ ખાદી અને ગ્રામોદ્યોગ ઉપરથી જીએસટી દૂર કરવાની રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકાર જીએસટીનો નવો કાયદો લાવી છે જે અંતર્ગત સરકારે વિવિધ ચીજવસ્તુઓ ઉપર જીએસટી કર લાદયો છે. જેમાં ખાદી અને ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓ ઉપર પણ પ્રથમ વખત જીએસટી લાદયો છે. જીએસટીની અસર હવે ધીરે ધીરે બહાર આવવા માંડી છે.

જીએસટીના પ્રથમ મહિને જ નવસારી જિલ્લાના વેચાણમાં 20 ટકાનો ઘટાડો, સત્યાગ્રહની ચીમકી આપતા ગાંધીવાદીઓ
નવસારી જિલ્લામાં પણ યુવાનોથી માંડી વૃદ્ધ સુધી લોકો ખાદીની પ્રોડકટ જેવી કે સુતરાઉ ખાદી, રેશન ખાદી, પોલીખાદી, ઉની ખાદીનો ઉપયોગ કરે છે. જોકે ખાદી ઉપર 5 ટકાથી 12 ટકા સુધી જીએસટી લદાતા તેના વેચાણમાં શરૂઆતથી જ ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. આ અંગે વલસાડ-નવસારી જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી મંડળી લિ. કરાડીના પ્રમુખ નટુભાઈ મણીભાઈ નાયકે જણાવ્યું કે જીએસટી લાગુ થયા બાદ જુલાઈ માસમાં ખાદીનું વેચાણ હરિયાણા-પંજાબ જેવા રાજ્યોમાં તો 50 ટકા થઈ ગયું છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો અહીં પણ વેચાણમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

વેચાણ ઘટવાને કારણે ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે, જેની અસર રોજગારી ઉપર પણ થશે એ નક્કી છે. ખાદી સાથે સંકળાયેલા ગ્રામોદ્યોગની ચીજવસ્તુ ઉપર પણ વધુ જીએસટી લદાવાથી તેની ઉપર પણ વિપરીત અસર થશે.આજે ગુરૂવારે નવસારીમાં નટુભાઈ એમ. નાયકની આગેવાનીમાં ગાંધીવાદી, ખાદીધારીઓના પ્રતિનિધિ મંડળે એડિશનલ કલેકટર કે.એસ. વસાવાને રૂબરૂ મળી ખાદી ઉપર જીએસટીનો વિરોધ કરી તે દૂર કરવાની માગ કરી હતી. જો જીએસટી દૂર ન થાય તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. ગાંધીવાદીઓએ કલેકટરાલયમાં જીએસટી દૂર કરો, ગાંધીજીની જય જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

દેશમાં સવા કરોડને રોજી
ગાંધીવાદી લોકોનું કહેવું છે કે દેશના કુલ કાપડ ઉત્પાદનમાં તો ખાદીનો હિસ્સો માત્ર 2 ટકા જ છે પરંતુ આ ખાદી ઉદ્યોગ થકી 1.23 કરોડ લોકોને રોજીરોટી મળી રહી છે. ગ્રામોદ્યોગ થકી પણ કરોડો લોકો રોજી રોટી મેળવે છે. બીજુ એ છે કે આ ઉદ્યોગ ઘરબેઠા આપણી સંસ્કૃતિમાં વણાયેલ પ્રદુષણ સહિતનો ઉદ્યોગ છે જેમાં વિજળી-પાણી જેવી સુવિધા પણ આપવી પડતી નથી.

પ્રથમ વખત ખાદી ઉપર વેરો
નવસારીમાં જીએસટી દૂર કરવાની રજૂઆત કરવા આવેલા ગાંધીવાદીઓનું કહેવું હતું કે ખાદી એ આઝાદીની લડતનો એક સિમ્બોલ છે અને ગાંધીજીએ સૂતરને તાંતણે આઝાદી અપાવી એમ કહેવાય છે ત્યારે આઝાદી મળ્યાના 70 વર્ષમાં ખાદી ઉપર કયારેય વેરો નાંખવામાં આવ્યો ન હતો. વલસાડના નટુભાઈ દેસાઈએ તો ત્યાં સુધી કહ્યું કે અંગ્રેજોના શાસન દરમિયાન બ્રિટીશરોએ પણ ખાદી ઉપર વેરો નાંખ્યો ન હતો ત્યારે આઝાદ ભારતમાં ખાદી ઉપર વેરો નંખાય એ કેવુ ? ખાદીધારીઓનું એમ પણ કહેવું હતું કે વડાપ્રધાન મોદી ખુદ ખાદીને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે તેમની સરકાર જીએસટી લાદે એ અયોગ્ય છે.