31 August 2017

ગણપતિના પાંચ દિવસ વરસાદે બગાડ્યા


ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું ત્યારથી આજે ગણેશોત્સવ અડધો પૂરો થયો ત્યાં સુધી સાંજે અને રાત્રે વરસાદને કારણે સાર્વજનિક ગણેશ પંડારોમાં ગણેશોત્સવ જોવા ખુબ ઓછા લોકો જોવા આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો અડધા ગણેશોત્સવને વરસાદે ધોઈ નાંખ્યા છે. 25મી ઓગસ્ટે ગણેશચતુર્થી હતી. તે દિવસે નવસારી શહેરમાં 400થી વધુ જગ્યાએ ગણેશ મંડળોએ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું. અનેક જગ્યાએ ડેકોરેશન તથા શણગારેલી શ્રીજીની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવી હતી.

રોજ રાત્રે વરસાદ પડતા લોકો ગણેશોત્સવ જોવા જવાનું ટાળી રહ્યા છે, લોકોની અવરજવર 10-15 ટકા જ જોવા મળી
દર વરસે નવસારી-વિજલપોર શહેરના લોકો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો નવસારીના સાર્વજનિક ગણેશોત્સવમાં શ્રીજીના દર્શન માટે તથા ત્યાં કરાયેલા ડેકોરેશન વગેરે જોવા આવતા હોય છે. ગણેશ ચતુર્થીથી લઈ અનંતચૌદશ સુધી એટલે કે 10 દિવસ લોકોની અવરજવર ખાસ કરીને સાંજના સમયે ગણેશોત્સવના સ્થળે જોવા મળે છે. જોકે ચાલુ સાલ આમ બન્યું નથી.ગણેશોત્સવ શરૂ થયાને આજે બુધવારે છઠ્ઠો દિવસ હતો.

આમ 11 દિવસના ગણેશોત્સવમાં અડધો ગણેશોત્સવ પૂરો થઈ ગયો છે. જોકે ઉલ્લેખનીય વાત એ છે કે ગણેશોત્સવ નિહાળવા શહેરમાં આવતા શહેરીજનો તથા ગામડાના લોકોની અવરજવર ખુબ જ ઓછી જોવા મળી છે. દર વરસની સરખામણીમાં માંડ 10-15 ટકા જ લોકો જ નજરે પડી રહ્યા છે. સાંજના સમયે ધમધમતો આ ઉત્સવ હાલ પાંચ દિવસથી સુસ્ત જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવમાં વરસાદ ઉપરાંત નવસારીમાં જૂનાથાણાનો ગણેશોત્સવનો મેળો પણ થઈ શક્યો નથી.

આ અંગે સમસ્ત નવસારી ગણેશ મંડળ સંગઠનના પ્રમુખ કનક બારોટે જણાવ્યું કે લગભગ રોજ સાંજના સમયે યા રાત્રે વરસાદ પડતા લોકો ગણેશોત્સવ જોવા જવાનું ટાળી રહ્યા છે અને અવરજવર ઓછી જોવા મળી છે એ વાત સાચી છે. જોકે આગામી શનિ-રવિની રજામાં તથા વરસાદ બંધ થતા લોકો ગણેશોત્સવ નિહા‌ળવા ઉમટી પડશે એવી આશા છે.