22 August 2017

ગાર્ડા કોલેજના અધ્યાપકોનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ


અખિલ ભારતીય અધ્યાપક મહામંડળના ઉપપ્રમુખ પ્રા. મહાદેવ દેસાઈ જણાવે છે કે અખિલ ભારતીય અધ્યાપક મહામંડળના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં અધ્યાપકો પોતાની પડતર માંગણીના ઉકેલ પરત્વે કેન્દ્ર સરકારના નિષ્ક્રિય વલણ સામે આક્રોશ વ્યક્ત કરવા 22મી ઓગસ્ટે બ્લેક ડે ઉજવવાનું નક્કી કર્યું છે.

એસ.બી. ગાર્ડા કોલેજ તથા બી.પી.બારીયા સાયન્સ કોલેજ નવસારીમાં 21મી ઓગસ્ટે અધ્યાપકોએ કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી બ્લેક ડે ઉજવ્યો હતો.

કારોબારી સભ્ય ડો. દિપક પટેલ, ડો. અલ્કેશ શાહ સહિત મોટી સંખ્યામાં અધ્યાપકોએ ભાગ લીધો હતો. સાતમા પગારપંચનો અમલ, એપીઆઈ સિસ્ટમ તથા સેમેસ્ટર સિસ્ટમ બંધ કરવી, બજેટના 6થી 7 ટકા નાણાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ફાળવવા, ખાનગીકરણ અટકાવવું, જૂની પેન્શન યોજના ચાલુ રાખવી, એડહોક પ્રાધ્યાપકો, અધ્યાપક સહાયકો અને ખંડ સમયના અધ્યાપકોને થતો અન્યાય દૂર કરવો અને ખાલી જગ્યા ભરવી જેવા પ્રશ્નોના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો.

અખિલ ભારતીય અધ્યાપક મહામંડળના ઉપપ્રમુખ પ્રા. મહાદેવ દેસાઈ 5મી સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનાર ધરપકડ વહોરો કાર્યક્રમમાં હાજરી આપનાર છે તથા ગુજરાતના અધ્યાપકોના પડતર પ્રશ્નોની રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરશે.