14 August 2017

જુનાથાણા વિસ્તારમાં આવેલા સરકારી આવાસોને ખાલી કરાવાયા


નવસારીનાં જુનાથાણા વિસ્તારમાં આવેલા સરકારી આવાસોને સરકારે તાબડતોડ ખાલી કરાવ્યા છે. તજજ્ઞોની ચકાસણીમાં બાંધકામનો રીપોર્ટ ભયજનક આવતાં પગલા છે.

નવસારી જિલ્લામાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ કામ કરે છે. 
સરકારી કર્મચારીઓ માટે જુનાથાણા વિસ્તારમાં સરકારી પરિસરમાં આવાસો બનાવવામાં આવ્યા છે.નવસારી તાલુકા પંચાયત કચેરીની સામે એપાર્ટમેન્ટ સ્વરૂપમાં ત્રણેક બિલ્ડીંગો છે.જેમાં એક બિલ્ડીંગમાં 18 આવાસ એમ ત્રણ બિલ્ડીંગમાં કુલ 54 આવાસો હોવાનું જાણવા મળ્યું છે.

બિલ્ડીંગમાં કેટલીક જગ્યાએ પોપડા (પ્લાસ્ટર) ખરવા માંડ્યા હતા,જેને લઇને બાંધકામ જર્જરીત પણ થઇ ગયું હતું.આ બાબતને ધ્યાને લઇ બિલ્ડીંગની કાર્યક્ષમતા ઉપયોગિતા જાણવા માટે સુરતની એસવીએનઆઇટી મારફત ચકાસણી કરાવવામાં આવી હતી.એસવીએનઆઇટી દ્વારા બિલ્ડીંગની ટેક્નીકલ ચકાસણી કરાયા બાદ ઉક્ત જુનાથાણા વિસ્તારમાં બનેલ સરકારી આવાસોની મજબૂતાઇ કાર્યક્ષમતાનો રીપોર્ટ આપવામાં આવ્યો હતો.આ રીપોર્ટમાં બિલ્ડીંગ જર્જરીત થઇ ગયું હોવાની જણાવી તાત્કાલીક ખાલી કરાવવા જણાવાયું હતું.

ટેક્નીકલ ચકાસણીનો રીપોર્ટ આવતા માર્ગમકાન વિભાગે ત્યાં આવાસોમાં રહેનારાઓને મકાન ખાલી કરાવવા જણાવાયું હતું.જોકે ઉક્ત મકાનોમાં રહેનારા મોટેભાગના સરકારી કર્મચારીઓએ મકાન ખાલી કરી દીધા હતા.મકાનો ખાલી કરાયા બાદ અસરગ્રસ્તોમાંના કેટલાકને ખાલી સરકારી ક્વાર્ટસમાં મકાન અપાયા હતા,જ્યારે કેટલાકે પોતાના મકાનની વ્યવસ્થા કરી દીધી હોવાની જાણકારી મળી છે.

40 વર્ષ જુનું બિલ્ડીંગ 
  • નવસારીમાં જુનાથાણા વિસ્તારમાં બનાવાયેલ સરકારી આવાસો અંદાજે 40 વર્ષ જુના હોવાની જાણકારી મળી છે.આ આવાસોનું બાંધકામ લોડ બેરીંગ સ્ટ્રક્ચરનું છે.જેને લઇને છેલ્લા કેટલાક સમયથી બાંધકામની કાર્યક્ષમતા અંગે પણ સવાલો ઉઠી રહયા હતા.બિલ્ડીંગમાં કેટલીક જગ્યાએ પ્લાસ્ટર પણ ખરી રહયું હતું.ત્રણ-ચાર વર્ષ અગાઉ આમાનાં એક બિલ્ડીંગનાં ભોયતળિયે આગ પણ લાગી હતી જેમાં વાહન સળગી ગયું હતું.હવે બિલ્ડીંગની ચકાસણીનો ટેક્નીકલ રીપોર્ટ આવી જતાં મકાનની કાર્યક્ષમતા મપાઇ ગઇ હતી અને આવાસો ખાલી કરાવવા પડ્યા હતાં. 
  • અંગે માર્ગમકાન વિભાગનાં ઇજનેર એમ.આર.ટેલરે જણાવ્યું કે સરકારી આવાસોનાં બાંધકામોની ચકાસણીનો રીપોર્ટ આવતા.મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. 
  • સરકારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકાર જર્જરીત ભયજનક થયેલ સરકારી આવાસોને આગામી સમયમાં તોડી પાડવાની કામગીરી કરશે અને ત્યારબાદ સરકારી ગ્રાંટ મળતા નવા આવાસો બનાવવાની તજવીજ હાથ ધરશે એવી શક્યતા છે.