28 August 2017

નવસારી જૈનસંઘોના ઉપક્રમે વિશાળ વરઘોડો નીકળ્યો


નવસારી પર્વાધિરાજ પર્યુષણની પૂર્ણાહૂતિ નિમિત્તે સમગ્ર નવસારી જૈન સંઘોના ઉપક્રમે તપસ્વીઓ સહિત વિશાળ રથયાત્રાનો વરઘોડો નવસારીનું શ્રદ્ધાસ્થાન ચિંતામણી દેરાસર મધુમતીથી નીક્ળ્યો હતો. સમગ્ર નવસારીમાં ચાર્તુમાસ બિરાજમાન પૂજ્ય ગુરૂભગયંતો ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવ સૂરિજી, આચાર્ય હંસકીર્તિસૂરિજી આચાર્ય જયદર્શન સૂરિજી, ઉપાધ્યાય વિમલ વિજયજી આદિ સાધુ સાધ્વીજી ભગવંતો જોડાયા હતા. વિશાળ રથયાત્રામાં ઇન્દ્રધજા, ત્રણ ચાંદીના રથો, બેન્ડ, ભક્તિગીતો ગાતા યુવાનો, શણગારેલી તપસ્વીઓની બગી, સેંકડો યુવાનો-યુવતિઓ, શ્રાવક શ્રાવિકાઓ તથા અનુંકપાની લારીથી રાજમાર્ગ સાંકડો બન્યો હતો.

નવસારીના વિવિધ માર્ગો ઉપર નારાઓથી જયઘોષ કરતો વરઘોડો આદિનાથ જૈન સંઘમાં પૂર્ણાહૂતિને પામ્યો હતો. તમામ ભાઇ બહેનોની સાધર્મિક ભક્તિ ઉલ્લાસભેર કરવામાં આવી હતી.પંન્યાસ રાજરક્ષિત વિજયજીએ જણાવ્યું કે રથયાત્રામાં સૂરત કતારગામનો જૈનમ (ઉંમર 14 વર્ષ) નો વરસી દાનનો વરઘોડો પણ સામેલ હતો. જૈનાચાર્ય હંસકીર્તિસૂરિજીની પાવન નિશ્રામાં તા. 9 નવેમ્બરે સુરતમાં દીક્ષા થશે. મુમુક્ષુ જૈન મે અક્ષત કપડા, નોટબુક, રૂપિયાનું વરસીદાન કરીને ત્યાગધર્મનો વિશિષ્ટ મહીમા બતાવ્યો હતો.


નવસારી મહાવીર સોસાયટી સંઘમાં પાર્થ નિલેશભાઇ (મરોલીવાળા) 30 ઉપવાસનું તપ કર્યુ હતુ. તપની પૂર્ણાહૂતિ રૂપે ઋષિમંડળ પૂજન ઉલ્લાસભેર ભણાવવામાં આવ્યું હતુ. મુનિ હંસબોધિ વિજયજીએ સુંદર પ્રેરણા કરી હતી. સમગ્ર નવસારી જૈન સંઘોમાં તપ, દાન, શીલ અને ભાવ ધર્મની વર્ધમાન વૃદ્ધિ થઇ હતી. તા. 30 ઓગષ્ટથી મુનિ નયરક્ષિતવિજયજીના રાત્રિ પ્રવચનો 9 કલાકે શરૂ થશે.