1 August 2017

ડી.પી. બન્યા બાદ નૂડાનો પુન: વિરોધ


નૂડાનો ડી.પી. બન્યા બાદ પુન: અનેક ગામોમાંથી નૂડા વિરોધનો સૂર બહાર આવ્યો છે. છેલ્લા બે દિવસમાં જ એરૂ, વેજલપોર, ગણેશ સિસોદ્રા સહિત કેટલાક ગામોના લોકોએ વાંધા રજૂ કર્યા છે. નવસારી અર્બન ડેવલપમેન્ટ એજન્સી (નૂડા) બન્યા બાદ જ નવસારી નજીકના ગામોમાંથી વિરોધ શરૂ થયો છે. વિરોધને લઈને 97 ગામોમાંથી ઘણાં ગામોને નૂડામાંથી દૂર કરી હાલ 24 ગામો જ રાખવામાં આવ્યા છે.

આજે ખેડૂતો વાંધા રજૂ કરશે, નૂડાની રચના સામે જ ગામડાઓમાં નારાજગી
24 ગામો અને બે શહેરો નવસારી અને વિજલપોરને લઈને નૂડાનો ડેવલપમેન્ટ પ્લાન બનાવી તે અંગેનું જાહેરનામુ ગત જૂન માસમાં બનાવાયું હતું અને આ નૂડાના ડીપી સામેના વાંધા પણ સરકારે મંગાવ્યા છે. નૂડાનો ડીપી બન્યા બાદ પણ ગામોમાંથી વાંધા રજૂ કરવાની પ્રક્રિયા જારી જ રહી છે. આજે સોમવારે એરૂ ગામના લોકોએ વાંધા અરજી રજૂ કરી હતી. એરૂના લોકોનું કહેવું છે કે ગામે અગાઉ જ કૃષિ યુનિવર્સિટી અને નહેર માટે જમીનો ગુમાવી છે હવે નૂડાથી વધુ જમીન ગુમાવવી પડે એમ છે.

નૂડાને લઈને નાના ખેડૂતો જમીનવિહોણા અને કેટલાક લોકો ઘરવિહોણા થાય એમ છે. લોકોને જમીનવિહોણા અને ઘરવિહોણા કરી નૂડા થકી થનારો વિકાસ માન્ય નથી. અહીં ઉલ્લેખનીય છે કે એરૂ ગ્રામપંચાયતમાં પણ આ અંગેનો ઠરાવ કરાયો છે. આજે વાંધા રજૂ કરતી વેળા ગામના અગ્રણી ધર્મેશ પટેલ, સરપંચ શંકરભાઈ રાઠોડ, ડેપ્યુટી સરપંચ વગેરે સાથે અગ્રણી વિનોદ દેસાઈ (સીએ) પણ હાજર રહ્યા હતા. નૂડાની સામે આજે એરૂ ઉપરાંત વેજલપોરમાંથી પણ વાંધા રજૂ થયા હતા. શનિવારે ગણેશ સિસોદ્રા ગામમાંથી પણ વાંધા રજૂ થયા હતા. મળતી માહિતી મુજબ આવતીકાલે 1લી ઓગસ્ટના રોજ ખેડૂતો મોટા પ્રમાણમાં વાંધાઓ નૂડાને સુપરત કરનાર છે.

નદીપારના 8 ગામોનું શું ?
નૂડાનો ડી.પી. બન્યા બાદ પૂર્ણા નદીપારના આ ગામોમાં પરથાણ, વેજલપોર, સરઈ, ધામણ, આમડપોર, આમરી, કસબાપાર, પડઘાનો સમાવેશ થાય છે. આ ગામના પ્રતિનિધિઓ વિધાનસભાના નાયબ દંડક આર.સી. પટેલ સાથે જૂન માસમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા હતા અને આ 8 ગામોને નૂડામાંથી કાઢી નાંખવા રજૂઆત કરી હતી. ગામોના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ નીતિનભાઈએ સકારાત્મક પ્રત્યુત્તર આપ્યો હતો. જોકે હજુ સુધી આ તમામ ગામોને નૂડામાંથી બાકાત કરાયા નથી !