2 August 2017

વિજલપોરના બે વિસ્તાર કોલેરાગ્રસ્ત, કોલેરા ભયગ્રસ્ત જાહેર

Image source : Divyabhaskar & Sandesh
નવસારી કલેકટર દ્વારા વિજલપોર નગરપાલિકાનાં સમગ્ર વિસ્તારને કોલેરા  ભયગ્રસ્ત તથા શહેરનાં ક્રિષ્ણાનગર અને ધીરૃભાઇ વાડી વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે. કોલેરા નિયંત્રણ અધિકારીઓની નિમણૂંક કરી જિલ્લા આરોગ્ય તંત્રની ટીમો કામે લાગી છે.

નવસારીની બાજુમાં આવેલા વિજલપોર નગરપાલિકાનાં વિસ્તારમાં હાલમાં આવેલા ભારે વરસાદ અને પૂરના પાણી ભરાઇ જવાની સાથે પારાવાર ગંદકીને લઇને પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું છે. જેમાં વિજલપોર શહેરના ક્રિષ્ણાનગર અને ધીરૃભાઇ દાજીની વાડી વિસ્તારમાંથી કોલેરાનાં બે દર્દીઓ મળી આવવાની જાણ થતાં જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી. તંત્રએ શહરમાં ઠેર ઠેર ચાલતી પાણીપુરીની લારીઓ બંધ કરાવી હતી. આજરોજ નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર રવિકુમાર અરોરાએ વિજલપોર શહેરના ક્રિષ્ણાનગર અને ધીરૃભાઇ દાજીની વાડી વિસ્તારને (એપેમેડીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૩ મુજબ) કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.

જ્યારે સમગ્ર વિજલપોર નગરપાલિકા વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી જલાલપોર શહેરી મામલતદાર એસ.આર. કુબાવત તેમજ વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર રમેશભાઇ  જોષીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકેની નિમણૂંક  કરી છે. આ સાથે જ જરૃરી પગલા ભરવાના શરૃ કરાયા છે. જેમાં બહાર ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થો, લારી-ગલ્લા બંધ કરાવવામાં આવ્યા છે. સફાઇ અભિયાન શરૃ કરાયું છે. કોલેરાગ્રસ્ત બે વિસ્તારોમાં ઘરે ઘરે સર્વેની કામગીરી શરૃ કરવામાં આવી છે. સુપરક્લોરીનેશનની કામગીરી શરૃ કરાવી છે.

લોકોને પાણી ઉકાળી પીવાની સલાહ આપવામાં આવે છે. અર્બન હેલ્થનાં ડોકટરોની ટીમો કામે  લાગી હોવાનું વિજલપોર પાલિકાનાં સી.ઓ. તથા કોલેરા નિયંત્રણ અધિકારી રમેશભાઇ જોષીએ જણાવ્યું હતું.