3 August 2017

ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનું રેકેટ ઝડપાયું


નવસારીમાં છાપરા રોડ ખાતે આવેલા ઓમ રેસિડેન્સી (બંગ્લોઝ) સોસાયટીમાંથી નવસારી એસઓજી (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે ઈન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટ ઝડપી પાડ્યું હતું. ગ્રાહકોને કોલ કરીને લોન અપાવવાના બહાને નાણાં પડાવી લેવાતા હતા. પોલીસે કુલ રૂ. 16,92,935ના મુદ્દામાલ સાથે 8 શખ્સને ઝડપી પાડ્યા છે. જ્યારે 3 શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કોલ સેન્ટરનું અમદાવાદ કનેક્શન હોવાનું બહાર આવ્યુ છે.

નવસારી છાપરા રોડ ઓમ બંગલોઝમાંથી પકડાયેલા કોલ સેન્ટરનું અમદાવાદ કનેક્શન

નવસારી એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ નવસારીમાં છાપરા રોડ ઉપર આવેલા ઓમ રેસિડેન્સી સોસાયટીમાં આવેલા મકાન નં. 25માં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હોવાનું અને તેના થકી ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતી હોવાની બાતમીના આધારે એસઓજીના ઈનચાર્જ પીઆઈ એ.યુ.રોઝ તથા તેમની ટીમે રેડ કરી હતી.

રાત્રિ દરમિયાન કરેલી રેડમાં એસઓજીની ટીમે ઈન્ટરનેશનલ કોલ કરી યુ.એસ.માં સ્થિત થ્રીયર્સ લોન કોર્પોરેટ પર્સનલ લોન તથા કેસ નોટ નામની જાણીતી કંપનીના નામથી લોન આપવામાં આવશે તેવી વાતચીત કરી ગ્રાહકો લોન મેળવવા ઈચ્છા ધરાવતા હોય તેઓને લોન આપવાના બહાને મનીગ્રામ મારફતે નાણાં ભરાવી માતબર રકમની છેતરપિંડી કરતા હતા. એ બાબત એસઓજી ટીમને ધ્યાન ઉપર આવતા જ એસઓજીની ટીમે મકાનમાલિક પ્રનોય શશીકાંત સહિત 8 જેટલા શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 16,92,935નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે 3 શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ શરૂ કરી છે.

પોલીસે કોને કોને ઝડપી લીધા
પોલીસે રાત્રિ દરમિયાન રેડ કરી પ્રનોય શશીકાંત બોરડે, રવિન્દ્ર છબીલદાસ પાટીલ, અમીત શિવકુમાર ગુપ્તા, મહેન્દ્ર છબીલદાસ પાટીલ, સ્વપ્નીલ ધનંજય મહાજન, અજય જગન્નાથ નાયર, પ્રશાંત તાપડે તથા કિર્તન બળવંતભાઈ ઠાકોરને પોલીસે ઝડપી પાડ્યા હતા.

વીઓઆઈ પદ્ધતિથી ફોન કોલ થતા હતા
છાપરા રોડ ઉપર ઓમ રેસિડેન્સીમાંથી મળતી માહિતી મુજબ ફેબ્રુઆરીથી આ કોલ સેન્ટર શરૂ કરાયું હતું. જેમાં ગેરકાયદે વેપલો થતો હતો. નવસારીમાં બેસીને અમેરિકા, કેનેડા જેવા દેશોના નાગરિકોને વીઓઆઈ પદ્ધતિથી ફોન કોલ કરી ત્રણ માગણી કરાતી હતી. જેમાં નવા નાગરિક પાસે ઈમિગ્રેશન યોગ્ય નથી, તમારો ટેક્સ ભરવાનો બાકી છે, લોન ભરપાઈ કરવાની બાકી છે તેવી વાતો કરી લોન અંગે જાણકારી આપી નાણાં પડાવાતા હોવાની માહિતી સાંપડી છે. નાગરિકો ઉપરોક્ત બાબતોથી બચવા લાંચ આપતા હતા. જેનો કોલ સેન્ટરોથી ફાયદો ઉઠાવાતો હતો. ઓમ બંગ્લોઝમાં બેસી કોલ થયા બાદ કોલનો હવાલો અમદાવાદ સોંપવામાં આવતો હતો. એ પછી ટકાવારી પ્રમાણે નાણાંકીય લેવડદેવડ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉ અમદાવાદમાં કોલ સેન્ટર પર પોલીસે છાપો મારી કૌભાંડ બહાર પાડ્યું હતું.


પોલીસે જપ્ત કરેલી સામગ્રી
એસઓજીની ટીમે આ કેસમા લેનોવા કંપનીના 14 લેપટોપ, મોબાઈલ નંગ 9, હેડફોન નંગ 11, માઉસ નંગ 10, એક હાર્ડડીસ્ક, એક સીપીયુ મળી એક પ્લાસ્ટીકની ફાઈલમાં અંગ્રેજીમાં ટાઈપ કરેલી તથા હાથથી લખેલી સ્ક્રિપ્ટ, રોકડા રૂપિયા તથા કાર અને બાઈક મળી કુલ 6 વાહન સહિત રૂ. 19,92,935નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


આ માંગો દ્વારા લોકો પાસેથી ખંખેરતા લાખો રૂપિયા
 ૧) નવા નાગરીકો પાસે ઈમિગ્રેશન યોગ્યનથી
 ૨) તમારો ટેક્ષ ભરવાનો બાકી બતાવે છે
 ૩) તમારી લોન ભરપાય કરવાની બાકી છે

નાગરિકોને ગભરાવવામાં આવતા
વધુ પૂછપરચમાં પોલીસને જાણવા મળ્યું કે, આરોપીઓ વિદેશમાં રહેતા નાગરિકોને લોન અને ટેક્ષના નામે ધમકાવતા, અને તેના થી કેવી રીતે બચી શકાશે તેની લાલચો પણ આપતા હતા, જેમાં કોલ સેન્ટરો દ્વારા મોટું સેટિંગ કરવામાં આવતું હતું. નવસારીમાં બેસીને પહેલા લોકોને કોલ કરવામાં આવતો અને તેનો હવાલો અમદાવાદ સોપવામાં આવતો હતો, ત્યારબાદ ટકાવારી પ્રમાણે પૈસાની વહેચલી થતી હતી.