4 August 2017

વિજલપોરમાં રેલવે અંડરબ્રિજ બનાવવા સૂચન


વિજલપોરમાં છેલ્લા કેટલાક વરસોથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની વાતો ચાલી રહી હતી ત્યાં હવે નેશનલ હાઈવે એ વિજલપોરમાં પણ અંડરબ્રિજ યોગ્ય હોવાનો રિપોર્ટ આપતા નવી ઘોંચ ઉભી થઈ છે. રેલવેનો નવો કોરિડોર કાર્યરત થવાનો હોઈ અનેક રેલવે ફાટકો બંધ કરવાની નોબત આવે એમ છે. આ સ્થિતિમાં રેલવે ફાટક નજીક રેલવે ઓવરબ્રિજ યા રેલવે અંડરબ્રિજ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. વિજલપોરમાં રેલવે ફાટક નંબર 126 પણ બંધ થવાની સ્થિતિમાં હોય અહીં રેલવે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છેલ્લા કેટલાક સમયથી કરાઈ રહ્યું છે.

વિજલપોર પાલિકા, માર્ગ મકાન વિભાગ બાદ હવે કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટીને સોંપાઇ
વિજલપોરમાં અહીંની પાલિકાએ કન્સલ્ટન્ટ સથવારે રેલવે ઓવરબ્રિજના નકશા બનાવ્યા છે. ઓવરબ્રિજ આડે આવનાર મિલકતધારકોને નોટીસો પણ ઈસ્યુ કરી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી રેલવે તંત્ર ઓવરબ્રિજનો નકશો મંજૂર કરે તેની રાહ જોવાઈ રહી છે. જોકે આ દરમિયાન જીયુડીસીએ વિજલપોરના રેલવે ઓવરબ્રિજની કામગીરી વિજલપોર પાલિકા પાસેથી લઈ માર્ગ અને મકાન વિભાગને સોંપી હતી. જોકે મળતી માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગ પાસેથી પણ આ બ્રિજની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી પાસે ગઈ હતી. નેશનલ હાઈવે હસ્તક કામગીરી ગયા બાદ હવે નવી ઘોંચ ઉભી થયાની જાણકારી મળી છે.

નેશનલ હાઈવે પાસે કામગીરી ગયા બાદ નેશનલ હાઈવેએ વિજલપોરની રેલવે ફાટક નજીક રેલવે ઓવરબ્રિજની જગ્યાએ રેલવે અંડરબ્રિજ બનાવવો યોગ્ય રહેશે એમ જણાવ્યું છે. ઓવરબ્રિજ જ્યાં બનનાર છે ત્યાં મોટો કોમર્શિયલ વિસ્તાર છે તથા અન્ય કારણથી પણ ઓવરબ્રિજ બનાવવો શક્ય ન હોવાનું જણાવ્યું છે. આમ છેલ્લા કેટલાય વરસોથી ચાલતા વિજલપોરના રેલવે ઓવરબ્રિજની વાતો વચ્ચે આખરી તબક્કે અંડરબ્રિજની વાત આવતા ઘોંચ સર્જાય છે.

નેશનલ હાઈવે ઓથોરિટીની ભલામણ વચ્ચે ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ડીએફસીસી)એ નેશનલ હાઈવે સર્કલને એક પત્ર લખ્યો છે. જેમાં હાઈવે ઓથોરિટીને વિજલપોર નગરપાલિકા સાથે ચર્ચા વિચારણા કરી આખરી નિર્ણય (ઓવરબ્રિજ કે અંડરબ્રીજ) જણાવવા કહ્યું છે.