5 August 2017

નવસારી પાલિકાને વરસાદથી 2.43 કરોડનું નુકસાન


તાજેતરમાં પડેલા વરસાદને કારણે નવસારી પાલિકાને અંદાજે 2.43 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં મહત્તમ નુકસાની રસ્તાની 2.10 કરોડ રૂપિયાની અંદાજાયો હતો.

જુલાઈ મહિનામાં નવસારીમાં સારો વરસાદ પડ્યો હતો. કુલ વરસાદ 35 ઈંચને વટાવી ગયો છે. વરસાદની વિપરીત અસર નવસારીના અનેક વિસ્તારના માર્ગો ઉપર પણ પડી છે. વરસાદના મારને કારણે ઘણાં માર્ગો ધોવાઈ ગયા છે, અનેક માર્ગો ઉપર ખાડા પણ પડી ગયા છે. માર્ગો ધોવાઈ જવાને કારણે માર્ગ બનાવનાર નવસારી પાલિકાને મોટુ નુકસાન થયું છે.

 નવસારી પાલિકાએ હાલ ચોમાસાની મોસમમાં વરસાદને કારણે માર્ગોને થયેલા નુકસાનનો અંદાજ કાઢ્યો છે, જે 2.10 કરોડ રૂપિયાનું અંદાજાયુ છે. રસ્તા ઉપરાંત ડ્રેનેજ, પાણી વિભાગમાં પણ અંદાજે 33 લાખ રૂપિયાનું નુકસાન ગણી પાલિકાને વરસાદને કારણે 2.43 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ કાઢી તેની જાણ સરકારને કરવામાં આવી છે.