6 August 2017

ઇન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટ, 35થી 50 કરોડનાં કૌભાંડની શક્યતા


નવસારીમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટમાં અન્ય ચાર આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે. અત્યારસુધીમાં આ ઈન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટમાં આ કોલ સેન્ટરોમાં 35થી 40 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પોલીસ અંદાજ લગાવી રહી છે. જોકે તપાસમાં તે આંકડો હજી પણ ઉંચો જઈ શકે છે. નવસારીમાં ડીવાયએસપી મનિષસિંગે ઈન્ટરનેશનલ કોલ સેન્ટર રેકેટની તપાસ હાથ ધરી છે. એસઓજીની ટીમે સૌ પ્રથમ છાપરા રોડ ઉપર આવેલી ઓમ રેસિડેન્સી (બંગ્લોઝ) સોસાયટીમાં રેડ કરી આ રેકેટ ઝડપી પાડ્યું હતું. તે પછી ડીવાયએસપી મનિષસિંગે આ કેસની તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરતા સૌ પ્રથમ 8 આરોપી અને તે પછી વધુ 4 આરોપીને ઝડપી લીધા હતા.

પોલીસ મુજબ કૌભાંડની કિંમત વધુ હોઈ શકે
પોલીસે ગતરોજ ઝડપી પાડેલા વોન્ટેડ આરોપી તનવીર શેખ (જામનગર), તેજસ, રાગેશ, ફિરોઝ બંગડીવાલાને ઝડપી પાડી તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. જે છેક મુંબઈ, અમદાવાદ સુધી પહોંચી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઈન્ટરનેશનલ કોલ સેન્ટર કૌભાંડ મુખ્ય કોલ સેન્ટરમાં આચરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 35થી 50 કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું હાલ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જેનો આંકડો હજી પણ ઉંચો જઈ શકે છે.

100થી 150 યુવાનોએ ટ્રેનિંગ લીધી હતી
મળતી માહિતી મુજબ મુખ્ય સેન્ટરમાં અગાઉ 100થી 150 યુવાનોએ ટ્રેનિંગ લીધી હતી. તે પછી કેટલાકે તે જોબ છોડી દીધી હતી. તો કેટલાક કે થોડા થોડા સમય માટે આવા કોલ સેન્ટરો ઉભા કરીને કૌભાંડ આચર્યું હતું. પોલીસ આ તમામ ઈન્ટરનેશનલ કોલ સેન્ટરની માહિતી મેળવી રહી છે. જેને લઈ આગામી સમયમાં આ પ્રકરણમાં વધુ આરોપીને પોલીસ ઝડપી પાડે તેવી શક્યતા છે.