7 August 2017

વિજલપોરમાં 1.46 કરોડના ખર્ચે સેવાસદન બનશે


વિજલપોરમાં 1.46 કરોડનાં ખર્ચે નવું સેવા સદન બનશે.પાલિકા બન્યાનાં 22 વર્ષ સુધી પાલિકા કચેરી સાંકડી જગ્યામાં ચાલી રહી છે.

વિજલપોર ભૂતકાળમાં ગામડું હતુ.આજથી આશરે 22-23 વર્ષ અગાઉ અહીં ગ્રામ પંચાયત તથા ત્યારબાદ નગર પંચાયત અસ્તિત્વમાં આવી હતી.અહીં થયેલ વસ્તીના વધારાને કારણે સને 1994-95 નાં સમયગાળામાં વિજલપોરને નગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો.

પાલિકાની જાહેરાત થતા તાબડતોડ વિજલપોર પાલિકા કચેરી તે વખતની રેલવે ફાટક આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં શરૂ કરી દેવાઇ હતી.જોકે 2000ની સાલમાં ભુકંપ આવતા પાલિકા કચેરી થોડો સમય બાદ ઘેલખડી રોડ ઉપર બનાવાયેલ કમ્યુનીટી સેન્ટરમાં લઇ જવાઇ હતી.આ કમ્યુનીટી સેન્ટરમાં સને 2006-07 નાં અરસામાં એક માળ વધારવામાં આવ્યો હતો.આજદિન સુધી વિજલપોર પાલિકા કચેરી ઉક્ત કમ્યુનીટી સેન્ટરમાં ચાલી રહી છે અને પાલિકા માટે સેવા સદન બનાવી શકાયું નથી.

નાની જગ્યામાં વિજલપોર પાલિકા કચેરી ચાલતા મુશ્કેલી પડી રહી છે.કમિટીઓમાં ચેરમેનો,શાસક પક્ષ તથા વિપક્ષ માટે અલાયદી ચેમ્બરો નથી.ચેમ્બરો માટે ઝઘડા પણ થાય છે.નાની કચેરીનાં કારણે કચેરીએ આવતા લોકોને પણ મુશ્કેલી પડે છે.હવે વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનું બીજા નંબરના શહેરની નગરપાલિકાને 22 વર્ષ બાદ નવું ભવન બનશે.

મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પાલિકા સત્તાવાળાઓ વિજલપોરના નવા સેવાસદન માટે પ્રયત્નો કરીર હયા હતા.ચાલુ વર્ષના બજેટમાં પણ નવું સેવા સદન બનાવવાની જાહેરાત કરાઇ હતી.આખરે સફળતા મળી છે.પાલિકાનાં સીટી ઇજનેર શશી પટેલનાં જણાવ્યા મુજબ સરકારે વિજલપોર પાલિકાનાં નવા સેવાસદન માટેની મંજુરી આપી દીધી છે.નવા મકાનનો ખર્ચ 1.46 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે.

નવા સેવાસદનમાં શું હશે? 
વિજલપોર પાલિકાનું નવું સેવાસદન ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું બનશે.જેમાં વેરા શાખા,જનસેવા કેન્દ્ર માટે જગ્યા હશે.વિવિધ કમિટીઓનાં ચેરમેનો,અધિકારીઓ માટે તથા વિપક્ષ માટેપ અલગ ચેમ્બર હશે.પાર્કિગની પણ વ્યવસ્થા હશે.મિટીંગો માટે અલગ મિટીંગ હોલ યા સભાખંડ પણ રહેશે.હાલમાં પાલિકા જ્યાં ચાલે છે તેનો કમ્યુનીટી સેન્ટર તરીકે ઉપયોગ થશે.મળતી માહિતી મુજબ નવું સેવાસદન,હાલ પાલિકા જ્યાં ચાલે છે તેની બાજુની ખુલ્લી જગ્યામાં બનાવાશે.