8 August 2017

વિજલપોરના સાંઈ બંગ્લોઝમાં 1.98 લાખની ચોરી


વિજલપોરમાં રક્ષાબંધન હોવાને કારણે ભાઈ-બહેનના ઘરે સુરત જઈ રાત્રિરોકાણ કર્યું હતુ. દરમિયાન તસ્કરોએ ભાઈનું ઘર સાફ કરી 1.98 લાખની માલમત્તા ચોરી ગયા હતા.

ચોરીના બનાવ અંગે મળતી માહિતી અનુસાર મૂળત: યુપીના વિનોદ રામદરસ સહાની વિજલપોરમાં ગાંધીસ્મૃતિ ફાટક નજીક આવેલા સાંઈ બંગ્લોઝમાં રહે છે. તેઓ કલરકામનો ધંધો કરે છે. રક્ષાબંધનનો તહેવાર હોવાથી વિનોદ તેમના પરિવાર સાથે સુરત બહેનના ઘરે ગયા હતા અને રાત્રિરોકાણ પણ ત્યાં કર્યું હતું. વિનોદભાઈનો ભાઈ તેમના સાંઈ બંગ્લોઝના નિવાસસ્થાને રોકાઈ ગયો હતો. તેમનો ભાઈ બંગલાના પહેલા માળ ઉપર રાત્રિના સમયે સુઈ ગયો હતો.

દરમિયાન રાત્રિના સમયે ચોર તસ્કરો મકાનના નીચેના પાછળના ભાગે આવેલા ગ્રીલનો દરવાજો ખોલી રસોડાના ભાગે આવેલી બારી તોડી ઘૂસી ગયા હતા. ઘરમાં ઘુસી ઘરનો કબાટ, મંદિરનું ડ્રોઅર વગેરે ખોલી સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો.તેઓએ કબાટ ખોલી તેમાં મુકેલી 3 તોલાની સોનાની ચેઈન કિંમત રૂ. 45 હજાર, પગમાં પહેરવાની પાયલ રૂ. 3 હજાર તથા મજૂરોને ચૂકવવાનો પગાર રૂ. 1.50 લાખ, જે મંદિરના ડ્રોઅરમાં મુકેલા હતા તે ચોરી કરી લઈ ગયા હતા. કુલ 1.98 લાખની માલમત્તાની ચોરી કરી ગયા હતા.

આજે રક્ષાબંધનના દિવસે સવારે જ્યારે વિનોદભાઈનો બંગલાના પહેલા માળે સૂતેલો ભાઈ ઉઠી નીચેના ભાગે જતા સામાન વેરવિખેર થયેલો જોયો હતો અને ચોરી થયેલી જણાતા ભાઈને સુરત ખાતે જાણ કરી હતી. વિનોદભાઈએ વિજલપોર આવી પોલીસ મથકમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વિજલપોરમાં તહેવારના ચોરીની જાણકારી આવતા પોલીસ પણ દોડતી થઇ હતી.

તસ્કરો ઘરને ગંદુ કરી ગયા 
વિજલપોરમાં સાંઈ બંગ્લોઝમાં ઘૂસી ગયેલા તસ્કરોએ ઘરને ખેદાનમેદાન તો કરી નાંખ્યું હતું. સાથે નવું બનાવેલું ઘરને ગંદુ પણ કરી ગયા હતા. જ્યાંને ત્યાં ગુટખા-પાનમસાલા ખાઈને થૂકી ગયા હતા, જેના ડાઘ જોવા મળતા હતા. સાથોસાથ પાણીની બોટલ ખોલી પાણી તો પી ગયા હતા અને બોટલો પણ ગમે તેમ નાંખી ગયા હતા. અહીં ઉલ્લેખનીય છેકે સાંઈ બંગ્લોઝ નવી ડેવલપ થયેલી રહેણાંક સોસાયટી છે.