9 August 2017

નવસારીમાં ગેસ ચોરીનું રેકેટ ઝડપાયું, 1.51 લાખનો મુદ્દામાલ સીઝ


નવસારી જિલ્લા પુરવઠા વિભાગે ગેરકાયદે ગેસ ટ્રાન્સફરનું રેકેટ ઝડપી પાડ્યું હતું. નાના સબસિડીવાળા સિલિન્ડરમાંથી મોટા કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરાતો હતો. નવસારી નજીક બારડોલી રોડ ઉપર ગેરકાયદે રીતે સબસિડીવાળા સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરાઈ રહ્યાની બાતમી જિલ્લા પુરવઠા વિભાગને મળી હતી. આ બાતમીના આધારે નાયબ મામલતદાર યોગેશ રાણાએ નવસારી નજીક કબીલપોર જીઆઈડીસીની સામે સાંઈ ગાર્ડન પાછળ બારડોલી રોડ ઉપર રેડ કરી હતી.

નવસારી જિલ્લા પુરવઠા વિભાગે ગેસ સિલિન્ડરો, ટેમ્પો વગેરે મળી 1.51 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો
આ રેડ દરમિયાન નાના સબસિડીવાળા સિલિન્ડરો ઉપરાંત મોટા કોમર્શિયલ સિલિન્ડર ઉપરાંત ગેસ ટ્રાન્સફર જેનાથી કરાય એ નોઝલ પણ મળી આવી હતી. રેડ સમયે કોઈ શખ્સ ત્યાં ન હતો. જોકે મોટો મુદ્દામાલ મળી આવ્યો હતો. સરકારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પકડાયેલા તમામ 58 જેટલા સિલિન્ડરોમાં ભરાયેલા અંદાજે 28 હજારની કિંમતનો ગેસ, 78 હજારની કિંમતના સિલિન્ડર કબજે લીધા હતા. આ ઉપરાંત એક ટેમ્પો (નં. જીજે-21-એક્સ-0855), ટેમ્પો (નં. જીજે-6-ઝેડ-9480), વજન કાંટા તથા ગેસ ટ્રાન્સફરની નોઝલ મળી કુલ 1,51,687નો મુદ્દામાલ પુરવઠા વિભાગે કબજે કર્યો હતો. આ પ્રકરણમાં બારડોલી રોડ ઉપર રહેતા પુનારામ સુખદેવ બિશ્નોઈ સામે પુરવઠા વિભાગે ગુનો દાખલ કર્યો છે. જે ગેસ સિલિન્ડરો ઝડપાયા એ એચપી કંપનીના છે. આજે મંગળવારે સવારે 9 કલાકના અરસામાં પુરવઠા વિભાગે રેડ કરી હતી.

રેકેટ વધુ મોટુ હોઈ શકે
નવસારીમાં ગેરકાયદે ગેસ ટ્રાન્સફરનું રેકેટ તો પકડાયું છે પરંતુ પ્રશ્ન એ છે કે આ રેકેટ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને કેટલા ગ્રાહકોને તેના થકી સબસિડીયુક્ત ગેસ ઓછો મળ્યો હશે ? બીજો પ્રશ્ન એ છે કે નવસારી પંથક યા જિલ્લામાં શું આ એક જ જગ્યાએ આવી ગેરકાયદે કામગીરી ચાલતી હતી યા એકથી વધુ જગ્યાએ આવી કામગીરી ચાલે છે ? આ બાબતે તંત્ર તપાસમાં વધુ અંદર ઉતરે તો રેકેટ મોટુ બહાર આવવાની શક્યતા રહેલી છે.

કેવી રીતે ગેસ ટ્રાન્સફર થાય ?
મળતી માહિતી મુજબ કંપનીના ગેસ સિલિન્ડરો એજન્સીવાળા ગ્રાહકોને પહોંચાડવા અગાઉથી ડિલિવરીમેનોને આપી દેતા હોય છે. આ સિલિન્ડરો ભરેલો ટેમ્પો રાત્રે યા અન્ય સમયે કેટલાક શખ્સો (ડિલિવરીમેનોની જાણમાં યા જાણ બહાર) નાના સબસિડીવાળા સિલિન્ડરમાંથી મોટા કોમર્શિયલ સિલિન્ડરમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. સામાન્યત: સિલિન્ડર દીઠ દોઢ યા બે કિલો ગેસ એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરાતો હોય છે. આમ ગ્રાહકને પણ આટલો ગેસ ઓછો મળતો હોય છે. જોકે તેઓના મહત્તમ કિસ્સામાં ખબર પડતી નથી. આ ટ્રાન્સફર કરેલો ગેસ માર્કેટમાં વેચી દેવાય છે.