10 August 2017

નવસારીએ વિજલપોરને 9.87 લાખનું પાણી બીલ મોકલ્યું


નહેરના પાણીનું 9.87 લાખની રકમની ચૂકવણી બાબતે અહીંની નવસારી પાલિકા અને વિજલપોર પાલિકા વચ્ચે વિવાદ ઉભો થયો છે.

નવસારી પાલિકા શહેરીજનોને મધુર જળ યોજના અંતર્ગત પાણીનો જથ્થો પૂરો પાડે છે. પાણીનો જથ્થો પાલિકાને કાકરાપાર કેનાલમાંથી મળે છે. નહેરનું જે પાણી નવસારી પાલિકાને મળે છે તે માટે નવસારી પાલિકાએ નહેર વિભાગને નાણાં ચૂકવવા પડે છે. થોડા દિવસ અગાઉ નવસારી પાલિકાની કેનાલની લાઈનમાંથી ગેરકાયદે જોડાણ કરી પાણીનો જથ્થો વિજલપોરના રામનગર તળાવમાં ભરી દેવામાં આવ્યો હતો. (રામનગર તળાવમાં વિજલપોરની પાણી યોજના અમલી બનનાર છે)

નવસારી પાલિકાને મળનાર નહેરના પાણીનો જથ્થો વિજલપોરના તળાવમાં ઠલવાતા હોહા થઈ ગઈ હતી. જે પ્રમાણે પાણીનો જથ્થો વિજલપોરના રામનગર તળાવમાં ઠલવાયો તેની કિંમત નક્કી કરી 9.87 લાખ રૂપિયા ચૂકવવાનો પત્ર નવસારી પલિકાએ વિજલપોર પાલિકાને લખ્યો છે. જોકે નવસારી પાલિકાનો 9.87 લાખ રૂપિયા ચૂકવવાના પત્રને જોતા વિજલપોર પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. વિજલપોર પાલિકાના સિટી ઈજનેર શશી પટેલના જણાવ્યા મુજબ વિજલપોરની પાણી યોજનાનું કામ જીયુડીસીને સોંપાયું છે અને યોજના રામનગર તળાવ ખાતે કાર્યરત છે. પાણી યોજનાની સોંપણી જીયુડીસીએ વિજલપોર પાલિકાને કરી નથી. જેથી નવસારી પાલિકાએ જે નાણાં વસૂલવાનો પત્ર લખ્યો છે તે જીયુડીસીને મોકલી આપ્યો છે. બીજી તરફ નવસારી પાલિકાના પાણી સમિતિ ચેરમેન ત્રિભોવન ચાવડાએ જણાવ્યુ કે હજુ નાણાં નવસારી પાલિકાને મળ્યા નથી. તાજેતરમાં પાલિકાની સભામાં પ્રશ્ન ઉઠતા બંને પાલિકાના સીઓ રમેશ જોષીએ જણાવ્યું હતું કે નવસારી પાલિકા નાણાંની વસૂલાત કરશે.

અવારનવાર સર્જાતા વિવાદ 
નવસારી પાલિકા અને વિજલપોર પાલિકા વચ્ચે વખતે પ્રથમ વખત વિવાદ નથી, ભૂતકાળમાં અનેક વખત નાના મોટા વિવાદ થયા હતા. ડ્રેનેજના જોડાણ અને રસ્તાના ખર્ચ બાબતે પણ વિવાદ થયા હતા. જોકે વિજલપોર પાલિકાના જણાવ્યા મુજબ હવે એક રૂપિયો પણ નવસારી પાલિકાને ચૂકવવાનો બાકી રહ્યો નથી. અહીં નોંધનીય છે કે આગામી સમયમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બે પાલિકાઓનો એક બનનાર છે. પાણી યોજના અંગે નહેરનું પાણી વિજલપોર પાલિકા પણ મેળવનાર છે ત્યારે ખર્ચ અંગે બંને પાલિકા વચ્ચે વાદવિવાદ થશે કે નહીં તે જોવું રહ્યું !

પાણી યોજનાનું કામ જીયુડીસીએ કર્યા બાદ વિજલપોર પાલિકાને યોજનાની સોંપણી કરી નથી, બીલ જીયુડીસીમાં મોકલાયું