24 August 2017

પૂર્ણા નદીનો પુલ બની ગયો સ્યુસાઈડ પોઈન્ટ, લોકો કરી રહ્યા છે આપઘાત


નવસારીનો અડીને આવેલા વિરાવળ ગામની હદમાંથી પસાર થતી પૂર્ણા નદી ઉપરનો પુલ છેલ્લા કેટલાક વર્ષથી સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો છે. અવારનવાર ગ્રામવાસીઓની પુલ પર મોટી રેલિંગ બનાવવાની મૌખિક રજૂઆત કરવા છતાં વહીવટી અધિકારીઓ તે બાબતને ધ્યાન ઉપર નહીં લેતા દર વર્ષે લોકો પૂર્ણા નદીના પુલ ઉપરથી આપઘાત કરી રહ્યા છે. મંગળવારે એક યુવતીએ મોતની છલાંગ મારી દીધી હતી. એ ઘટનાના બીજા દિવસે જ આજે શહેરના અન્ય એક યુવાને પૂર્ણા નદીમાં છલાંગ મારી દેતા ચકચાર મચી ગઈ છે.

લોકો પુલ ઉપરથી મોતની છલાંગ મારી રહ્યા છે, મોટી રેલિંગ મુકવા વિરાવળના ગ્રામજનોની રજૂઆત છતાં તંત્ર બેદરકાર

નવસારીને અડીને આવેલા વિરાવળ ગામમાંથી પસાર થતી પૂર્ણા નદી ઉપર બનાવેલો પુલ નવસારી અને સુરતને જોડતા રાજ્ય ધોરીમાર્ગનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે પરંતુ આ પુલ છેલ્લા એક વર્ષથી સ્યુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખાવા લાગ્યો છે. આખા વર્ષ દરમિયાન કોઈને કોઈક આ પુલ ઉપરથી પૂર્ણા નદીમાં મોતની છલાંગ મારતું રહ્યું છે. આ સંદર્ભે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ તથ વહીવટી વિભાગમાં અવારનવાર મૌખિક રજૂઆતો કરી પુલ પર મોટી રેલિંગ બનાવવા માંગણી સ્થાનિક રહીશો દ્વારા કરાતી રહી છે

વહીવટીતંત્ર કે સત્તાધિશો આ બાબતને નજરઅંદાજ કરી રહ્યા હોવાથી દર વર્ષે 8 જેટલા લોકો પૂર્ણા નદીના પુલ ઉપરથી મોતને વહાલુ કરી રહ્યા છે. બુધવારે પણ વિરાવળ પુલ ઉપરથી મેહુલ ગાંધી નામના 31વર્ષીય યુવાને સવારે 10 કલાકની આસપાસ નદીમાં પડતુ મુક્યું હતું. શોધખોળ કરી હતી પરંતુ તે નદીના ઉંડા પાણીમાં ગરક થઈ જતા તેનો પત્તો લાગ્યો ન હતો. નદીમાં ઝંપલાવનારના સગાસંબંધીઓએ તેની બાઈક (નં. જીજે-21-એઈ-9573) ઉપરથી તેની ઓળખ કરી હતી. ગ્રામ્ય પોલીસે તેની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.


મંગળવારે જ યુવતીની મોતની છલાંગ
કિસ્સો-1 મંગળવારે નવસારીમાં દશેરા ટેકરી વિસ્તારની મહિલા હેમલતાબેન નાયકાએ પણ આજ પુલ પરથી મોતની છલાંગ મારી દીધી હતી અને મોતને વહાલુ કરી દીધુ હતું. સ્થાનિક યુવાને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

કિસ્સો-2  છ માસ પહેલા જ નવસારીમાં એક આધેડે પૂર્ણા નદીના પુલ પરથી છલાંગ મારીને આપઘાત કરી લીધો હતો.


ગત વર્ષે પૂર્ણા નદીના પુલ પર બનેલી બસ દુર્ઘટનામાં 37થી પણ વધારે મુસાફરોના મોત નિપજ્યા હતા. બસમાં કુલ 60 લોકો સવાર હતા. ઘટનાસ્થળ પર ગણદેવી, નવસારી અને વલસાડથી બચાવ ટુકડી પહોંચી ચુકી હતી.