30 August 2017

વિજલપોરનું નવું વોર્ડ સીમાંકન જાહેર


વિજલપોર નગરપાલિકાનું નવુ સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. આ નવા સીમાંકન અંતર્ગત શહેરના 12 વોર્ડથી ઘટીને 9 વોર્ડ થઈ ગયા છે અને વોર્ડની કુલ બેઠકો 36 રહી છે. વિજલપોર શહેર હાલ સુધી 12 વોર્ડમાં વિભાજીત હતું અને દરેક વોર્ડમાં ત્રણ બેઠકો મળી પાલિકાની કુલ 36 બેઠકો હતી. જોકે રાજ્ય સરકારે સને 2014માં નિયમોમાં સુધારા કરી નગરપાલિકા માટે એક વોર્ડમાં ચાર બેઠકો રાખવા અને તે પૈકી બે બેઠકો સ્ત્રીઓ માટે અને બાકી બે બેઠકો જરૂરિયાત મુજબ અનામત કે બિનઅનામત રાખવા જોગવાઈ કરી હતી.

વિજલપોર નગરપાલિકાની વર્તમાન ટર્મની મુદત છ મહિનામાં પૂર્ણ થશે ત્યારબાદ ચૂંટણી યોજાશે
આ જોગવાઈને કારણે વિજલપોર પાલિકાની વર્તમાન પાંખની મુદત પૂર્ણ થવાને પાંચ-છ મહિના બાકી રહ્યા છે ત્યારે રાજ્ય ચૂંટણી આયોગે વિજલપોર પાલિકાના વોર્ડોનું નવુ સીમાંકન જાહેર કરી દીધુ છે. નવા સીમાંકન મુજબ વિજલપોર પાલિકામાં હવે 12 જગ્યાએ કુલ 9 વોર્ડ જ રહેશે. આ તમામ વોર્ડમાં ચાર-ચાર બેઠકો રહેશે અને કુલ બેઠકો 36 રહેશે. સને 2011ની વસતિ ગણતરી મુજબ શહેરની વસતિ 81245 નોંધાયેલી છે અને આ વસતિને 9 વોર્ડમાં વહેંચવામાં આવી છે. વોર્ડની સરેરાશ વસતિ 9027 થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે વિજલપોર શહેર રેલવે ટ્રેકની પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વહેંચાયેલા છે ત્યારે નવા સીમાંકન મુજબ પૂર્વમાં 7 વોર્ડ અને પશ્ચિમમાં 2 વોર્ડ રહેશે. કુલ 36 બેઠકોમાં સ્ત્રીઓની અનામત બેઠક 18 રહેશે. સ્ત્રીઓની બેઠક સહિત કુલ અનામત બેઠકો 23 અને સામાન્ય બેઠકો 13 રહેશે.

વોર્ડની બેઠકોની સ્થિતિ
વોર્ડ નં. પહેલી બેઠક સ્ત્રી અનામત બીજી બેઠક સ્ત્રી અનામત ત્રીજી બેઠક અનામત કે બિનઅનામત ચોથી બેઠક અનામત કે બિનઅનામત

1 પછાતવર્ગ સામાન્ય અનુસૂચિત આદિજાતિ સામાન્ય
2 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
3 અનુ.જાતિ સામાન્ય સામાન્ય સામાન્ય
4 સામાન્ય સામાન્ય સામાન્ય સામાન્ય
5 સામાન્ય સામાન્ય સામાન્ય સામાન્ય
6 અનુ.આદિજાતિ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
7 સામાન્ય સામાન્ય અનુ.જાતિ સામાન્ય
8 પછાતવર્ગ સામાન્ય અનુ.આદિજાતિ સામાન્ય
9 સામાન્ય સામાન્ય સામાન્ય સામાન્ય