3 September 2017

વિસર્જનયાત્રા પર 100 CCTV કેમેરાથી નજર


નવસારીમાં શ્રીજીની વિસર્જનયાત્રામાં ચાલુ વર્ષે 100 જેટલા સીસીટીવી કેમેરા સાથે નવસારી પોલીસ સમગ્ર વિસર્જનયાત્રાને કેદ કરી લેશે. વિસર્જનયાત્રામાં ડ્રોન અને વિડિયોગ્રાફી પણ અલગથી કરાવાશે. એ જોતા આ વખતે વિસર્જનયાત્રામાં અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખવા નવસારી પોલીસ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. નવસારીમાં ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાભેર ઉજવાય રહ્યો છે.

જોકે આ મહોત્સવની પૂર્ણતાને આરે માંડ બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે નવસારીમાં વિસર્જનયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને અસામાજિક તત્વો સામે ચાંપતી નજર રાખવા માટે નવસારી પોલીસે આગવું આયોજન કર્યું છે. દર વર્ષે શ્રીજીની વિસર્જનયાત્રામાં માત્ર વિડિયોગ્રાફી અને ડ્રોન કેમેરાની મદદથી જ નજર રાખવામાં આવતી હતી પરંતુ ચાલુ વર્ષે નવસારી પોલીસ 100 સીસીટીવી કેમેરા વિસર્જનયાત્રા ઉપર બાજ નજર રાખશે. જિલ્લામાં નવસારી શહેરમાથી સૌથી મોટી વિસર્જનયાત્રા નીકળે છે.

શહેરના રાજમાર્ગો પરથી આ વિસર્જનયાત્રા વિરાવળ સુધી પહોંચે છે. જે મુખ્ય વિસર્જનયાત્રા હોવાથી સુરક્ષાને લઈ જિલ્લા પોલીસ દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ વધુ સતર્ક બની છે. નાની નાની બાબતોને કારણે ઘણી વખત વિસર્જનયાત્રા દરમિયાન માથાકૂટ થાય છે અને તે બે જૂથ વચ્ચે મારામારી સુધી પહોંચે છે. વિસર્જનયાત્રા પછી પણ તે માથાકૂટ યથાવત રહે છે પરંતુ આ વખતે પોલીસ દરેક શ્રીજીની વિસર્જનયાત્રામાં ભાગ લેનાર મંડળો ઉપર ચાંપતી નજર રાખી શકશે. તે માટે પોલીસે 100 સીસીટીવી કેમેરા અત્યારથી જ એકટીવેટ પણ કરી દીધા છે.

કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈપણ હરકત કરાશે તો આ કેમેરામાં તે કેદ થઈ જશે. વિસર્જનયાત્રાના તમામ રૂટ ઉપર ઠેકઠેકાણે આ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. જેને લઈને ચાલુ વર્ષે યોજાનારી વિસર્જનયાત્રા સીસીટીવી કેમેરામાં કેદમા હશે. નવસારી પોલીસ સીસીટીવી કેમેરા થકી વિસર્જનયાત્રા ઉપર બારીકાઈથી નજર રાખશે. આ ઉપરાંત વિસર્જનયાત્રામાં લોખંડી બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠકનો છેદ ઉડ્યો
વિવિધ સંગઠનના હોદ્દેદારો, વહીવટી અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ સાથે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં શ્રીજી મહોત્સવમાં વિસર્જનયાત્રા પહેલા બેઠક મળે છે પરંતુ ચાલુ વર્ષે આ બેઠક મળી નથી. જેના કારણે વહીવટી અધિકારીઓ, ગણેશ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળના હોદ્દેદારો સાથે સંકલન અંગે અનેક તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે. જોકે ટાઉન પોલીસ, ગ્રામ્ય અને જલાલપોર પોલીસ દ્વારા પોતપોતાના વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક બોલાવી દેવામાં આવી હતી અને ગણેશ સંગઠનના હોદ્દેદારોને જરૂરી સૂચનો કરી દેવાયા હતા.

સુરક્ષાની દૃષ્ટિએ તમામ વ્યવસ્થા કરી દેવાઈ છે
આ વખતે પણ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈ તમામ કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. તમામ વિસર્જન સ્થળની મુલાકાત લેવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી કોઈ સુરક્ષામાં કચાશ ન રહે. - એમ.એસ. ભરાડા, પોલીસવડા, નવસારી જિલ્લા

પોલીસની સમગ્ર વિસર્જનયાત્રા ઉપર નજર રહેશે 
શહેરના રાજમાર્ગો ઉપરાંત વિસર્જનયાત્રાના તમામ નાના મોટા રૂટ ઉપર સીસીટીવી કેમેરા એકટીવેટ કરી દેવામાં આવ્યા છે. વિડિયોગ્રાફી, ડ્રોન થકી વોચ તો રખાશે જ પરંતુ આ વખતે નવસારી પોલીસ 100 કેમેરાથી નાનામાં નાની બાબતોનું મોનિટરિંગ કરી શકશે અને જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી કરી શકશે. - એ.પી. સોમૈયા, ટાઉન પીઆઈ, નવસારી