25 September 2017

નવસારી વિધાનસભાની બેઠક માટે ભાજપમાં 17 દાવેદારો


નવસારી બેઠકની વિધાનસભાની બેઠક માટે વર્તમાન ધારાસભ્ય સહિત કુલ 17 જણાએ ભાજપમાંથી દાવેદારી કરી છે. ગત રાત્રે પણ ભાજપના નિરીક્ષકોએ દાવેદારો અને ટેકેદારોને સાંભ્ળયા હતા.શનિવારે બપોરબાદ ભાજપના નિરીક્ષકો છત્રસિંહ મોરી, માનસીંહ પટેલ અને અસ્મિતાબેન શીરોયાએ નવસારીની બેઠક માટે દાવેદારો અને તેના ટેકેદારોને સાંભળવાની કામગીરી હાથ ધરી હતી. આ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઇએ તો દાવો કર્યો જ હતો.

સાથે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જિલ્લા ભાજપના મહામંત્રી ભુરાલાલ શાહ અને ભૂતપૂર્વ મંત્રી કરશન પટેલે પણ બેઠક માટે દાવો કર્યો હતો.જાણીતા સમાજસેવક જમાલપોરના સંજય નાયક (ભગત) એ પણ દાવો રજુ કર્યો હતો. આ ચાર દાવેદારો ઉપરાંત અન્ય મહારથીઓએ પણ દાવેદારી કરી હતી. રાત્રે 10.30 કલાક સુધી આ પ્રક્રિયા જારી રહી હતી અને દાવેદારોનો આંક 17 સુધી પહોંચી ગયો હતો.


અન્ય જે દાવેદારોએ દાવો રજુ કર્યો હતો તેમાં જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ શીલાબેન પટેલ, જિલ્લા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ કનક બારોટ, નવસારી તાલુકાનાં ભાજપનાં અને સહકારી અગ્રણી નાગધરાના મુકુંદ પટેલ, કસ્બાના પરેશ નાયક, બજરંગદળના અગ્રણી અશ્વિન બારોટ, નવસારી પાલિકાનાં ભૂતપૂર્વ પ્રમુખ કાંતિલાલ ખત્રી અજય દેસાઇ (માકા), રાકેશ દેસાઇ, પારસી અગ્રણી કેરશી દેબુ, અશ્વિન ગાંધી, મયુર ટંડેલ, કિશોર ભાણાભાઇ પટેલ, કછોલીના કેતન નાયકનો સમાવેશ થાય છે. નવસારીની બેઠક માટે દાવો રજુ કરવાની પ્રક્રિયા વેળા ભાજપ કાર્યાલય ખાતે કશ્મકશનો માહોલ સર્જાયો હતો.

જિલ્લામાં ચાર બેઠકોમાં 59 દાવેદારો
નવસારી જિલ્લાની ચાર બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા નવસારી ભાજપ કાર્યાલય ખાતે બે દિવસ ચાલી હતી. આ ચાર બેઠકો માટે જલાલપોર બેઠક માટે જ ઓછા દાવેદારો બહાર આવ્યા હતા, અન્ય ચાર બેઠકો માટે દાવેદારોની સંખ્યા વધુ રહી હતી. બેઠક પ્રમાણે જોઇએ તો નવસારી માટે 17, જલાલપોર માટે 6, ગણદેવી માટે 18 અને વાંસદા બેઠક માટે પણ 18 દાવેદારોએ પોતાના સમર્થકો સાથે ભાજપની ટિકીટ માટે દાવા રજુ કર્યા હતા.