23 September 2017

નાણાંની ચુકવણી મુદ્દે હોટલમાં ગ્રાહક - કર્મચારી વચ્ચે મારામારી

નવસારીમાં દરગાહ રોડ ઉપર આવેલી એક હોટલમાં નાણાંની ચૂકવણી બાબતે ગ્રાહક અને કર્મચારી વચ્ચે ઝઘડો થતા મામલો બિચક્યો હતો. બંને જૂથના સભ્યો સામસામે આવી જઈ હુમલો કરાતા મામલો ટાઉન પોલીસ મથકમાં પહોંચ્યો છે.

દરગાહ રોડ પર આવેલી હોટલમાં બનેલી ઘટના
પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ નવસારીમાં દરગાહ રોડ ઉપર મુસ્તાક તવા ફ્રાય હોટલ આવેલી છે. ગતરોજ રાત્રે ઈલિયાસ અબ્દુલગની મુલતાની (રહે. જૂના આવાબાગ સામે, ચારપુલ) અને તેમના બે મિત્ર આરીફ શેખ જમવા માટે ગયા હતા. જમીને ત્રણેય જણાંએ પૈસા મિત્રએ આપ્યા હશે એવું માની ગેટ બહાર જઈ રહ્યા હતા. તે સમયે હોટલના કર્મચારીએ તેમને બીલ ચૂકવવા જણાવતા તારા શેઠને ઓળખીએ છીએ. સવારે બીલના પૈસા આપી દઈશું તેવું કહેતા મેનેજર ખલીલ શેખ તથા હોટલના માલિક મુસ્તાક શેખ અને તેનો ભાઈ તૈયબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીલના પૈસાની માગણી કરતા ત્રણેય જણાંએ ગાળ આપી ઉશ્કેરાઈ જઈ માર મારતા મામલો બિચક્યો હતો. મુસ્તાક અને તેના ભાઈને માર મારતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ ઘટનાની ખલીલ શેખે ફરિયાદ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તો સામે ઈલિયાસના મોટાભાઈ સોહિલ મુલતાનીએ મુસ્તાક શેખ અને ખલીલ શેખ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ઈલિયાસ અને તેમના મિત્રોએ બીલના પૈસા ચૂકવીદીધા હોવાનું સમજી ઘરે જવા નીકળ્યા હતા. તેમને અટકાવી બીલના પૈસા માંગતા ત્રણેય જણાંએ મેનેજરને શેઠ ઓળખતો હોવાનું કહી કાલે પૈસા આપી જવા કહેતા તેઓ ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ સળિયા વડે ત્રણેય જણાંએ મિત્રોને માથા તથા હાથપગ ઉપર ફટકા મારી ઈજા કરીહતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ઇલિયાસ, આરીફ અને ઈમ્તિયાઝને ઈજા થઈ હતી. તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનાની વધુ તપાસ પીએસઆઈ બી.પી. રજીયા કરી રહ્યા છે.