14 September 2017

નવસારીમાંથી પસાર થનારી બુલેટ ટ્રેન અંગે અસમંજસતા


દેશની પ્રથમ બૂલેટ ટ્રેન નવસારી જિલ્લામાંથી પણ પસાર થશે અને ગુરૂવારે ખાતમુહૂર્ત થવાનું છે ત્યારે હજુ પણ કેટલાક બાબતો અંગે ગૂંચવણ પ્રવર્તી રહી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત 14મીને ગુરૂવારે જાપાની વડાપ્રધાન શીન્જો આબે અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં કરનાર છે. વડાપ્રધાન મોદીના આ મહાત્વાકાંક્ષી પ્રોજેકટમાં નવસારી જિલ્લો પણ સામેલ થનાર છે અને અહીંના 22 ગામોમાંથી બૂલેટ ટ્રેન પસાર થવાનો રૂટ નક્કી થયો છે.


આજે ખાતમુહૂર્ત થવાનું છે છતાં અનેક બાબતે હજુ કોઇ સ્પષ્ટ સ્થિતિ બહાર આવી નથી
આ ગામોમાં જલાલપોર તાલુકાના ડાભેલ ગામ, નવસારી તાલુકાના ધામણ, વેજલપોર, પડઘા, આમડપોર, ધારાગીરી, નસીલપોર, સિસોદ્રા ગણેશ, વાડા અને કછોલ ઉપરાંત ગણદેવી તાલુકાના પીંજરા, માણેકપોર, ધનોરી, વડસાંગળ, ખેરગામ, દેસાડ, પાટી, કેસલી, નાંદરખા, ઘેકટી, વંકાલ અને ઉંડાચ વાણિયા ફળિયાનો સમાવેશ થાય છે. બૂલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત થવાનું છે છતાં હજુ સુધી અનેક બાબતો અંગે લોકોમાં ગૂંચવણ, અસમંજસતાની સ્થિતિ પ્રવર્તી રહી છે. બૂલેટ ટ્રેનના સ્ટોપેજની જે જાહેરાત થઈ છે તેમાં નવસારી જિલ્લાના મુખ્ય મથક નવસારીની જગ્યાએ બીલીમોરાને પસંદ કરાયું છે આવું કેમ બીજુ કે ટ્રેનના રૂટમાં બીલીમોરા નથી તો નજીકના કયા ગામ નજીક સ્ટોપેજ હશે, નાંદરખા કે અન્ય ગામોની તો જાહેરાત થઈ છે પરંતુ ચોક્કસ કઈ જગ્યાએ કઈ જમીનમાંથી ટ્રેન પસાર થશે તે બાબતે અસમંજસતા છે.

ધામણના અગ્રણી અમીત પટેલે જણાવ્યું કે અમારા ગામમાં સરવે તો કરી ગયા છે પરંતુ ચોક્કસ જગ્યાની અમને જાણ નથી. જમીન સંપાદનની પ્રક્રિયા અંગે પણ સ્થાનિક કક્ષાએ કોઈને જાણકારી નથી. બીજુ કે જિલ્લામાંથી ટ્રેન જમીન ઉપરથી કે એલીવેટેડ ટ્રેક ઉપરથી પસાર થશે તે બાબતે પણ સ્પષ્ટતા નથી. જોકે જમીન સંપાદન થવાની જ છે ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળે તેના પ્રયાસ શરૂ થયા છે. નવસારીના અગ્રણી વિનોદ દેસાઈ (સીએ)એ સરકારમાં રજૂઆત કરી વાસ્તવિક બજાર કિંમતની 4 ગણી કિંમત ખેડૂતોને ચૂકવવાની માંગણી કરી છે.

ખેડૂત સમાજ આજે આવેદન આપશે
નવસારી જિલ્લામાંથી પણ સૂચિત બૂલેટ ટ્રેન પસાર થવાનું નક્કી જ છે ત્યારે આ બહુચર્ચિત ટ્રેનના વિરોધની પણ જાહેરમાં શરૂઆત આવતીકાલથી જ થશે. નવસારી-જલાલપોર ખેડૂત સમાજ ટ્રેનનું ગુરૂવારે ખાતમુહૂર્ત થશે ત્યારે જ વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપશે. ખેડૂતોની ફળદ્રુપ જમીન ઉપર બૂલેટ ટ્રેન દોડાવવાનો વિરોધ કરવામાં આવશે એમ ખેડૂત સમાજના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગણદેવી તાલુકામાં પણ ખેડૂતો વિરોધ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.