24 September 2017

નવસારીની બેઠક માટે દાવેદારી રજૂ કરતા મૂરતિયા


નવસારી વિધાનસભાની બેઠક માટે ભાજપના દાવેદારોના સમર્થનમાં મોટી સંખ્યામાં તેમના ટેકેદારો ઉમટી પડતા રીતસર કમલમ ગજવ્યું હતું. નવસારી વિધાનસભાની બેઠક માટે શનિવારે બપોરબાદ ભાજપના નિરીક્ષકો છત્રસિંહ મોરી, માનસિંહ પટેલ અને અસ્મિતા શિરોયાએ દાવેદારો તથા તેમના ટેકેદારોને સાંભળ્યા હતા.

અપેક્ષા મુજબ વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઈએ તો પુન: નવસારી બેઠક માટે દાવેદારી રજૂ કરી હતી. આ ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી ભુરાભાઈ શાહ અને માજી મંત્રી કરસન પટેલ મોટી સંખ્યામાં ટેકેદારો સાથે દાવેદારી કરવા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવ્યા હતા. ટેકેદારોએ પોતાના નેતાના સમર્થનમાં ભારે સૂત્રોચ્ચાર કરી કમલમને ગજવ્યું હતું.

નવસારીની બેઠક માટે કેટલાક દાવેદારોએ રીતસર શક્તિ પ્રદર્શન કર્યું હતું. નવસારી બેઠક માટે સમાજસેવા સાથે જોડાયેલા અને દાતા સંજય નાયક (ભગત)એ પણ આ બેઠક માટે દાવેદારી કરી હતી. દાવેદારો તથા ટેકેદારોને સાંભળવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી જારી રહી હતી. દાવેદારો માટે ટેકેદારો મોટી સંખ્યામાં હોય કશ્મકશ જારી રહ્યો હતો. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો વગેરે પણ પક્ષના નિરીક્ષકોને અપેક્ષિતો તરીકે મંતવ્ય આપ્યા હતા.

દાવેદારોની સંખ્યા મોડી સાંજ સુધી બહાર આવી ન હતી. ટેકેદારો અને દાવેદારોની સંખ્યા વધુ હોવાને કારણે પક્ષમાં જૂથબંધી હોવાની વાત નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલે નકારી કાઢી હતી. નરેશ પટેલે જણાવ્યું કે લોકશાહીમાં દરેકને દાવેદારી કરવાનો હક હોય છે પરંતુ એક વખત પક્ષ ઉમેદવાર નક્કી કરશે ત્યારબાદ તમામ કમળ માટે જ કામ કરશે એ નક્કી છે.