8 September 2017

અનેક દેશોની 35 લાખની ચલણી નોટો ઝડપાઈ


નવસારી એલસીબીએ અલગ અલગ દેશની રૂ. 35.29 લાખની કિંમતની ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવસારી એલસીબીને બાતમી મળી હતી. નવસારી મોટાબજાર ખાતે સિદ્ધિ સાડી સેન્ટર નામવાળી દુકાન ઉપર વેપારધંધો કરતા અને આશાનગર ખાતે રહેતા જયેશ નટવરલાલ શાહ ગેરકાયદે રીતે અલગ અલગ દેશનું ચલણી નાણું યેનકેન પ્રકારે મેળવી ચલણી નાણુ નીચા દરે ગ્રાહકોને આપે છે. જયેશ શાહ સફેદ કલરની એકસેસ મોપેડ ઉપર બેગમાં અલગ અલગ દેશોના ચલણી નાણાં લઈ તેના ઘરે આવનાર છે. બાતમીના આધારે પોલીસે આશાનગર ઢાળથી આગળ ધ્રુવિની હોસ્પિટલ પહેલા જયેશને રોકી તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી બેગમાંથી અલગ અલગ દેશોની ચલણી નાણાંની નોટ નંગ 1376 મળી આવી હતી.

નોટોની ભારતીય ચલણ પ્રમાણે કિંમત રૂ. 35,29,843.81 થાય છે. પોલીસે નોટો યેનકેન પ્રકારે ક્યાંકથી ગેરકાયદે રીતે મેળવેલી હોવાનું જણાતા નોટો તથા અન્ય વસ્તુઓ સાથે કુલ 35,60,843.81નો મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરી જયેશની સીઆરપીસી કલમ 41(1)ડી મુજબ અટક કરી હતી. કબજે કરેલી અલગ અલગ દેશની ચલણી નોટ અંગે ઈન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડી)ને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.