18 September 2017

દૂધિયા તળાવ વિસ્તાર ‘મનોરંજન હબ’ બનશે


નવસારીના દુધિયાતળાવ ફરતેના વિસ્તારમાં જે હાલનાં સમયમાં મનોરંજન પ્રોજેક્ટના કામો ચાલી રહયા છે તેને લઇને આ વિસ્તાર આગામી દિવસોમાં મનોરંજન હબ’ બની જશે.

નવસારી શહેરની સુંદરતામાં જો કોઇ વસ્તુનો સૌથી વધુ ફાળો હોય તો તે દુધિયાતળાવ છે. દુધિયાતળાવ નવસારી શહેરની ઓળખ સાથે પણ સંકળાયેલું છે. આમ તો આ તળાવનો ઉપયોગ નવસારી નગરપાલિકા શહેરને પાણી પૂરૂ પાડવાની મધુર જળ યોજના’ માટે કરી રહેલ છે. આ તળાવમાં નહેરનું પાણી ઠાલવી ફિલ્ટર કરી શહેરીજનોને આપવામાં આવે છે.

આમ તો દુધિયાતળાવ વિસ્તારમાં અનેક મહત્વના સંસ્થાનો આવેલા છે. શોપીંગ સેન્ટર અને શહેરની મુખ્ય શાકમાર્કેટ છે. નવસારી શહેરનો વહીવટ જ્યાંથી થાય છે એ નગરપાલિકા પણ અહીં છે. દેશભરમાં પ્રસિધ્ધ રોટરી આઇ ઇન્સટીટ્યુટ પણ અહીં છે. જોકે આ દુધિયાતળાવ વિસ્તારને હવે નવી ઓળખ મળશે.તળાવ વિસ્તારમાં બનીર હેલ મનોરંજક પ્રોજેક્ટો જોતાં મનોરંજન હબ’ બની જશે. આમ પણ દુધિયાતળાવ વિસ્તારમાં અનેક મનોરંજક સ્થળો છે.

એન્ટરટેઇનમેન્ટ હોલ, ગાર્ડન, ફુવારો, પાર્ક હાલમાં પણ છે. હવે આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટો કાર્યરત થઇ રહયા હોય સમગ્ર દુધિયાતળાવ વિસ્તાર મનોરંજન હબ’ બની જશે. નગરપાલિકા વિસ્તારમાં વર્ષો જુનો રંગવિહાર તોડી પડાયો છે અને હાલ નવીન ટાઉન હોલ ત્યાં એન્ટરટેઇનમેન્ટ માટે દુધિયાતળાવ નજીક બની રહયો છે. દુધિયાતળાવને કાંઠે જ પાલિકા 1.75 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન પ્રોજેક્ટ કરી રહી છે. આ પ્રોજેક્ટમાં સ્ટેપ ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, મીની એમ્પીથિયેટર વિગેરે બની રહયા છે.

ક્રીડાંગણ ગાર્ડનના નવીનીકરણનો પ્રોજેક્ટનું પણ પાલિકાએ આયોજન કર્યુ છે. આ બાબતો જોતા ચારે બાજુથી દુધિયાતળાવ વિસ્તાર લોકોનાં મનોરંજન માટેનું સ્થળ બની જશે. નવસારી પાલિકાનાં સીટી ઇજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે દુધિયાતળાવને કાંઠે મંકોડીયાની સામે મીની એમ્પીથિયેટર બનાવાઇ રહયું છે. જ્યાં નાના કાર્યક્રમો થઇ શકશે. રંગવિહારની જગ્યાએ ટાઉનહોલ જે બની રહયો છે. તેમાં મોટે ભાગનું કામ પૂર્ણ થયું છે. એકથી દોઢ મહિનામાં આ બાકી કામ પૂર્ણ થઇ જવાની આશા છે.

આ પ્રકલ્પો બનાવાશે
  • ટાટા હોલ- તળાવની ઉત્તરે
  • ડાન્સીંગ ફુવારો તળાવની ઉત્તરે
  • બાળ ક્રીડાંગણ તળાવની ઉત્તરે
  • સિનીયર સીટીઝન પાર્ક તળાવની પશ્ચિમે
  • નવો ટાઉન હોલ તળાવની ઉત્તર પૂર્વે
  • મીની એમ્પી થિયેટર તળાવની દક્ષિણ પશ્ચિમે
  • સ્ટેપ ગાર્ડન
  • ચિલ્ડ્રન પાર્ક વિગેરે તળાવની ફરતે