6 September 2017

ભક્તોના વિઘ્નો સમેટી વિઘ્નહર્તાની વિદાઇ


નવસારી પંથકમાં ચાર ઓવારેથી 5500થી વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. વિરાવળ સ્થિત પૂર્ણાનદીના ઓવારે રાત્રે પણ વિસર્જનની પ્રક્રિયા જારી રહી હતી. 25મી ઓગસ્ટને ગણેશ ચતુર્થીના રોજથી શરૂ થયેલા ગણેશોત્સવ આજે 5મી સપ્ટેમ્બરે અનંત ચૌદશન દિને પૂર્ણ થયો હતો. આજે અનંતચૌદશના દિને નવસારી પંથકના ચાર ઓવારા વિરાવળ પૂર્ણા નદીએ, જલાલપોર પૂર્ણાનદીએ, ધારાગીરી પૂર્ણા નદીએ તથાં દાંડી સમુદ્રમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ હતી.

નવસારી પંથકમાં વિરાવળ, ધારાગીરી, જલાલપોર અને દાંડી ઓવારેથી ગણનાથને ભાવભીની વિદાય અપાઇ

સવારથી બપોરે 2 વાગ્યા સુધી ધીમી ગતિએ વિસર્જન શરૂ થયા બાદ બપોર પછી મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જન માટે આવી હતી. સાંજે 5.30 કલાક સુધીમાં વિરાવળમાં 1310 નાની મોટી, ધારાગીરીમાં કુલ 575, દાંડીમાં 632 અને જલાલપોરમાં 250 જેટલી પ્રતિમાઓ મળી કુલ 2800 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. વિસર્જન માટે શ્રીજીની પ્રતિમાઓ સાથે મોટી સંખ્યામાં ગણેશભક્તો જોડાયા હતા. નવસારીના માર્ગો ઉપર બેન્ડવાજા-ડીજેના સંગીતના સૂર સાથે ગણેશ વિસર્જનના જુલૂસમાં લોકો નાચતા નજરે પડ્યા હતા. રંગબેરંગી પોશાકમાં પુરૂષોની સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. શહેરના માર્ગો ગણેશ વિસર્જનના જુલૂસથી ઉભરાયા હતા. કાયદો અને વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.


સીસીટીવીના કેમેરાની નજર પણ વિસર્જન પ્રક્રિયા ઉપર રહી હતી. નવસારી-વિજલપોરના ગણેશ સંગઠનની ટીમ વિસર્જનની પ્રક્રિયા માટે જહેમત ઉઠાવતી નજરે પડી હતી. ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ પણ વિસર્જનમાં જોડાયેલા લોકોનું સ્વાગત કરતા નજરે પડ્યા હતા. મોડી સાંજ સુધીમાં નવસારી પંથકમાં મોટા અનિચ્છનીય બનાવના સમાચાર મળ્યા ન હતા. અહીં ઉલ્લેખનીય છે કે મોડી સાંજે 8 કલાક સુધીમાં નવસારી પંથકના 4 ઓવારેથી 4200થી વધુ નાની મોટી પ્રતિમાઓ વિસર્જિત થઈ ચૂકી હતી. જેમાં વિરાવળ સ્થિત પૂર્ણાના ઓવારેથી 2400 જેટલી પ્રતિમાઓ હતી. આ ઉપરાંત દાંડીમાં 1 હજારથી વધુ, જલાલપોરમાં 325, ધારાગીરીમાં 880થી વધુ પ્રતિમા હતી. વિરાવળમાં વિસર્જન પ્રક્રિયા રાત્રે પણ જારી રહી હતી અને શ્રીજીની પ્રતિમાઓના વિસર્જનનો આંક 5500ને વટાવી ગયો હતો.


વિસર્જન યાત્રામાં મેઘરાજાની ગેરહાજરી નોંધાઇ
નવસારી પંથકમાં છેલ્લા કેટલાક વર્ષથી અનંત ચૌદશના દિને મેઘરાજા હાજરી પુરાવતા રહ્યા છે. ગણેશ વિસર્જનના જુલૂસ ઉપર વરસાદ થતા ગણેશ ભક્તોનો ઉત્સાહ પણ બેવડાયો હતો. જોકે આજે વિસર્જનના દિવસે મોડી સાંજ સુધી વરસાદ પડ્યો ન હતો. આકાશમાંથી અમીવર્ષા થઈ ન હતી. વરસાદની ગેરહાજરીમાં તાપમાનમાં પણ વધારો થયો હતો. બપોરના સમયે પારો 31 ડિગ્રીને વટાવી ગયો હતો. ભેજમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.