8 September 2017

ઘેલખડી વિસ્તારના લોકોનો પાલિકાએ મોરચો


નવસારીના ઘેલખડી વિસ્તારના પ્રશ્નો નગરપાલિકાએ નહીં ઉકેલાતા વિસ્તારના રહીશોનો મોરચો ગુરૂવારે પાલિકા કચેરીએ આવ્યો હતો.

નવસારી શહેરના વોર્ડ નં. 8માં શહેરનો પછાત વિસ્તાર ઘેલખડી આવે છે. વિસ્તારમાં આદિવાસી હળપતિઓ, ઉત્તર ભારતીયો સહિત અનેક સમાજના લોકો રહે છે. ગરીબ તથા આર્થિક રીતે નબળા લોકોની સંખ્યા વધુ છે. આજે ગુરૂવારે ઘેલખડી વિસ્તારના લોકોનો મોરચો બપોરના સમયે નવસારી પાલિકાએ કચેરીએ પહોંચ્યો હતો. મોરચામાં સામેલ લોકોએ ભાજપી શાસકોની તથા પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

મોરચામાં સામેલ લોકોનું કહેવું હતું કે ઘેલખડી વિસ્તારમાં આવેલા ગણેશનગર, સ્કૂલ ફળિયું, નવો મહોલ્લો, ભીમનગર, તાડ ફળિયું વગેરે વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં પાલિકાએ સાવકો વ્યવહાર કર્યો છે. ઘેલખડી વિસ્તારમાં નગરપાલિકાનો પાણીનો પ્લાન્ટ હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ગંદુ આવે છે તથા પાણીનો સપ્લાય પણ ઓછો છે. અહીંના રસ્તાઓની હાલત પણ હાલમાં ખખડધજ થઈ ગયેલી છે. વરસો પહેલા નાંખેલા બ્લોકોની હાલત ખરાબ થઈ ગયેલી છે અને વિસ્તારમાં યોગ્ય બ્લોકપેવિંગ ક્યાંય નજરે પડતું નથી.

ચોમાસાની મોસમમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને ઠેર ઠેર પાણીનો ભરાવો રહેણાંક વિસ્તારમાં થાય છે. બ્લોકપેવિંગના કામો તો મંજૂર થયાની વાત થય છે પરંતુ સ્થળ ઉપર કોઈ કામગીરી થઈ નથી. ઘેલખડી વિસ્તારમાં સાફસફાઈની કામગીરીમાં પણઆ પાલિકા ધ્યાન આપતી નથી. દવાનો છંટકાવ પણ યોગ્ય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે નગરપાલિકા કચેરીએ આવેલા લોકોએ પાલિકા વિરૂદ્ધ ભારે બળાપો ઠાલવ્યો હતો અને આવનારા દિવસોમાં કામગીરી કરાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. મોરચામાં સ્થાનિક કોંગી કોર્પોરેટર ઉષાબેન પટેલ ઉપરાંત વિપક્ષી નેતા પ્રમોદ રાઠોડ, ધવલ દેસાઈ, પિયુષ ઢીમ્મર પણ જોડાયા હતા. આમ તો લોકો પોતાની રજૂઆત પાલિકાના પ્રમુખ અને સીઓને કરવા માંગતા હતા પરંતુ તેમની ગેરહાજરીમાં લેખિત અને મૌખિક રજૂઆત પ.વ. કમિટીના ચેરમેન જયંતિ ગોપાણીને કરી હતી. બાદમાં જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપ્યું હતું.