25 September 2017

સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવવા દાંડીને સ્વચ્છ કરાઇ રહ્યું છે


નવસારીથી 15 કિ.મી દૂર આવેલ દાંડી આઝાદીની લડતમાં મીઠા સત્યાગ્રહને લઇને જાણીતું બન્યું છે. દાંડી અરબી સમુદ્રનાં કિનારે આવેલું હોય અહીં સુંદર બીચ પણ છે. જ્યાં રાજ્ય બહારના પ્રવાસીઓ પણ આવે છે. જોકે કેટલાક પ્રવાસીઓ દ્વારા બીચને ગંદો પણ કરાઇ રહયો છે. દાંડી બીચ નજીક કચરાઓ જોવા મળે છે. આ બાબતને ધ્યાને લઇને તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવવા સુરત પોલીસ રેન્જ અને નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા વડાપ્રધાનના જન્મદિવસથી લઇને સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે.


જે ૨જી ઓકટોબરના પુર્ણ થશે. આ અભિયાનમાં દાંડી અને સામાપોરના યુવાનો, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તાલીમી પોલીસ વિભાગ, હોમગાર્ડના જવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકો સહિત એક હજાર ઉપરાંત માનવબળ અને એક સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. પુ.ગાંધીજીની પરિકલ્પનાને સાકાર કરીને દેશવાસીઓને સ્વચ્છ ભારત નિર્માણનો સંદેશ આપવા માંગે છે.


સ્વચ્છતા અભિયાનમાં રેન્જ આઇજી ર્ડા.સમશેરસિંહ, જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભરાડા, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.સી.જે.ડાંગરીયા, નાયબ વન સંરક્ષક ઉતર વન વિભાગ વલસાડ એન.વાય.ગુર્જર, નાયબ વન સંરક્ષક નિશા રાજ, સુરતના વન સંરક્ષક પુનિય ઐયર, ગ્રામ વિકાસ એજન્સીના કો-ઓર્ડિનેટર હિનાબેન, ગાંધી વિદ્યાપીઠના દાંડી સ્થિત કાળુભાઇ ડાંગર પણ જોડાયા હતા.


સુરત રેન્જ આઇજી ર્ડા.સમશેરસિંહે તેમની મુલાકાતમાં જણાવ્યું હતું કે દેશની આઝાદી અપાવવા પુ.મહાત્મા ગાંધીજીએ નમક સત્યાગ્રહ દ્વારા દાંડીના દરિયા કિનારેથી શરૂ કરી હતી જેથી તેને સ્વચ્છ રાખવું આપણી સૌની ફરજ છે.