12 September 2017

તબીબોની CLથી આરોગ્ય સેવાને અસર


નવસારી જિલ્લામાં ફરજ બજાવતા 144 સરકારી તબીબો આજે 11મીએ માસ સીએલ ઉપર જતા સરકારી આરોગ્ય સેવાને અસર થઈ હતી. તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા તો ઉભી કરી હતી પરંતુ તબીબી સેવા ખોટકાઈ તો જરૂર હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલોમાં સેવા બજાવતા તબીબોના અનેક પ્રશ્ને આંદોલન ચાલી રહ્યું છે. આંદોલન સંદર્ભે સરકારે અગાઉ પ્રશ્નોના નિરાકરણ લાવવાની ખાતરી આપી હોવા છતાં કેન્દ્રના ધોરણે એલાઉન્સ આપવા સહિતની કેટલીક માગ સ્વીકારતા ઈન સર્વિસ ડોકટર એસોસિએશને 11થી 13 સપ્ટેમ્બર સુધી માસ સીએલના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

જાહેરાત અંતર્ગત નવસારી જિલ્લામાં આવેલા 45 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 12 સામૂહિક કેન્દ્રો, 2 સબડિસ્ટ્રિકટ હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 144 જેટલા તબીબો આજે 11મીએ માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા. તબીબો એકસાથે રજા ઉપર જતા આરોગ્ય કેન્દ્રો ઉપર મુશ્કેલી સર્જાઈ હતી. ઓપીડી, પોસ્ટમોર્ટમ કરવાની સમસ્યા ઉભી થઈ હતી. નવસારી પાલિકાના ત્રણ અર્બન હેલ્થ સેન્ટરના તબીબો પણ સીએલ ઉપર ગયા હતા. તંત્રએ તબીબોની સીએલને લઈ આરોગ્ય સેવાનું ગાડુ ગબડાવવા આયુષ આયુર્વેદિક તબીબો, ઈન્ટર્નશીપ તબીબોને કામે લગાડ્યા હતા. જોકે તબીબો અપૂરતા જણાયા હતા. સેવા અસરગ્રસ્ત તો જણાઈ હતી.

આરોગ્ય કેન્દ્રો ઉપરાંત નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 23 તબીબો પણ આજે સીએલ ઉપર જતા રહ્યા હતા. તબીબોની સીએલને કારણે સિવિલ હોસ્પિટલને ધબકતી રાખવા તંત્રએ મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરો, ઈન્ટર્નશીપ તબીબો વગેરેની સેવા આપી હતી. જોકે તબીબો અપૂરતા હોઈ આરોગ્ય સેવાને અસર તો થઈ હતી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગી ગઈ હતી. જોકે સિવિલ સર્જન ડો. કોડનાનીએ જણાવ્યું કે તબીબી સેવાને કાર્યરત રાખવા પૂરતા પ્રયાસ કરાયા હતા અને સેવા જારી રહી હતી. આજે પણ 833 ઓપીડી સવારે નોંધાઈ હતી.

અહીં ઉલ્લેખનીય છે કે સરકારી તબીબોની માસ સીએલ 11થી 13 સપ્ટેમ્બર સુધી હોય આગામી બે દિવસ પણ અસર રહેવાની વકી છે.