15 September 2017

નવસારી, ગણદેવી ખેડૂત સમાજ બુલેટ ટ્રેનના વિરોધમાં


અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનનું ખાતમુહર્ત થવાની સાથે જ જિલ્લાના ખેડૂતોએ વિરોધ કર્યો છે. આજે ગુરૂવારે નવસારી-ગણદેવીના ખેડૂત સમાજે બૂલેટ ટ્રેનનો વિરોધ સરકાર સમક્ષ રજૂ કરી દીધો છે. જાપાનના સહયોગથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનનું આજે ગુરૂવારે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શીન્જો આબેએ વાજતે ગાજતે ખાતમુહૂર્ત કર્યું હતું. આ બૂલેટ ટ્રેન નવસારી જિલ્લામાંથી પણ પસાર થવાની છે ત્યારે ખાતમુહૂર્તના દિવસે જ નવસારી, ગણદેવીના ખેડૂત સમાજે બૂલેટ ટ્રેન સામેનો વિરોધ નોંધાવી દીધો છે.

જમીન સંપાદનનું જાહેરનામું નથી પડ્યું ત્યારે અસ્પષ્ટતાને લઈ ખેડૂતો મૂંઝવણમાં
નવસારી-જલાલપોર તાલુકા ખેડૂત સમાજના પ્રતિનિધિ મંડળે આજે ગુરૂવારે પ્રમુખ સી.પી.નાયકની આગેવાની હેઠળ નવસારી ગ્રામ્ય મામલતદાર એસ.એમ. રજવાડીની મુલાકાત લીધી હતી. મામલતદારને નવસારી-જલાલપોર તાલુકાના અનેક ગામોમાંથી પસાર થનારી બૂલેટ ટ્રેન સામે વિરોધ નોંધાવતી લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં એમ જણાવ્યું હતું કે અગાઉ જ આ વિસ્તારની ફળદ્રુપ જમીનો કેટલીક યોજનાઓથી ભોગ બની છે. હવે બૂલેટ ટ્રેનના કારણે ફળદ્રુપ જમીનો તો ભોગ બનશે સાથે યોજનાને કારણે ખેતમજૂરો, સહકારી સંસ્થાના મજૂરો, આદિવાસીઓ, ખેડૂતોને દોજખમાં ધકેલી દેશે. જાપાનને તો તેની વધારે મૂડી રોકવાની ગરજ છે પરંતુ તેનાથી આપણી ખેતી-ખેડૂતોનો વિનાશ થાય તેનો શું મતલબ ω ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીને આ યોજનાનો પુર્નવિચાર કરી અન્ય વિકલ્પ ઉપર વિચાર કરવા જણાવ્યું હતું. મામલતદારને રજૂઆત કરતી વેળા ખેડૂત સમાજના આગેવાનો દિલીપ રાયકા, વિરેન્દ્ર દેસાઈ, નટુભાઈ નાયક, રાકેશ નાયક, રણજીતભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા.


અહીં ઉલ્લેખનીય છે કે સૂચિત બૂલેટ ટ્રેન ગણદેવી તાલુકાના પણ અનેક ગામોમાંથી પસાર થનાર છે ત્યારે ગણદેવી તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓએ પણ ગણદેવી મામલતદાર ચૌધરી સમક્ષ બૂલેટ ટ્રેન સામે લેખિત વિરોધ રજૂ કર્યો હતો. અહીંના ખેડૂતોએ તો એમ પણ જણાવ્યું હતું કે આ ટ્રેન માટે જમીન સંપાદન માટેનું જાહેરનામુ હજુ સુધી બહાર પડ્યું ન હોવાથી કઈ કઈ જમીનો સંપાદિત થનાર છે તે સ્પષ્ટ ન થતા ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યાનું પણ જણાવ્યું હતું.

ભાજપ અગ્રણી ટ્રેનના સમર્થનમાં
બૂલેટ ટ્રેનનું નવસારીના સાંસદ સી.આર.પાટીલે સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે બૂલેટ ટ્રેનમાં લોકો ટ્રેનના ભાડામાં વિમાનની સ્પીડની સફર કરી શકશે. લોકોની કનેકટીવિટી ઝડપી બનશે. પાંચ વર્ષ પછી આ ટ્રેનની ઉપયોગીતા વધુ વધશે. બૂલેટ ટ્રેનથી રોજગારીની તકોનું પણ નિર્માણ થશે. ટ્રેન મહદઅંશે અહીં જ તૈયાર થશેે ત્યા કામો ઉભા થતા મોટી સંખ્યામાં લોકોને કામ મળશે.