22 September 2017

નવસારી પાલિકાના વોર્ડ નં. 2, 3 અને 4નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


નવસારી પાલિકાના ત્રણ વોર્ડના યોજાયેલા સેવાસેતુના કાર્યક્રમ દરમિયાન 1545 જેટલી અરજીઓનો નિકાલ કરાયાનો દાવો કરાયો હતો.

નવસારી પાલિકાના વોર્ડ નં. 2,3 અને 4ના ત્રીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ ગુરૂવારે રમાબેન હોસ્પિટલ નજીક યોજાયો હતો. કાર્યક્રમને ધારાસભ્ય પિયુષ દેસાઈએ ખુલ્લો મુક્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓની અવરજવર પ્રમાણમાં ઓછી રહી હતી. જોકે કુલ 1545 લાભાર્થીઓની અરજીનો નિકાલ કરવામાં આવ્યાનો દાવો તંત્રએ કર્યો હતો.

સેવાસેતુના કાર્યક્રમ દરમિયાન સૌથી વધુ લાભાર્થી ઉકાળો પીનારા 950 જણાવાયા છે. 400 જેટલી પ્રોપર્ટી ટેક્સની અરજીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આવકના દાખલા 27, આધારકાર્ડ 19, રાશનકાર્ડની 21, સિનિયર સિટીઝનોના દાખલા 13, વીજળીની અરજી 15, મિલકત આકારણી પત્રક 15, જન્મ મરણના દાખલાની 50 અરજીનો નિકાલ કરાયો હતો.