7 September 2017

કચરાના વર્ગીકરણના નવસારીમાં ઠેકાણાં નથી


સ્વચ્છતાનો એવોર્ડ મેળવી ઢોલ પીટનાર નવસારી પાલિકા સૂકો-ભીના કચરાના વર્ગીકરણમાં પાછળ રહી ગઈ છે. કચરાના વર્ગીકરણ માટે અલગ અલગ ડસ્ટબીનની જાહેરાત કર્યાના ત્રણ મહિને પણ કોઈ ઠેકાણા નથી. થોડા મહિના અગાઉ ગુજરાત રાજ્યની જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતની નગરપાલિકાઓમાં અહીંની નવસારી નગરપાલિકાએ સમગ્ર પશ્ચિમ ભારતમાં સ્વચ્છતાનો ભારત સરકારનો એવોર્ડ મેળવ્યો હતો. એવોર્ડ મળતા નવસારી શહેર સ્વચ્છતામાં અવ્વલ હોવાની છાપ પડી હતી. નવસારી પાલિકાએ પણ એવોર્ડનો મોટા ઉપાડે ઢોલ પીટ્યો હતો. જોકે એવોર્ડ મળ્યા બાદ સફાઈના ધારાધોરણનું પાલન કરવામાં અહીંની પાલિકા પાછળ પડી ગઈ છે.

સૂકો-ભીનો કચરો અલગ મેળવવાની વાતો હજુ કાગળ ઉપર, સ્વચ્છતાનો એવોર્ડ મળ્યા બાદ પાલિકાની ઢીલી કામગીરી
આ અંગેની વિગતો જોતા સરકારે આગામી વર્ષોમાં લોકો પાસેથી જ સૂકો અને ભીનો કચરો અલગ અલગ મેળવી આ ભેગા થયેલા કચરાનો ખાતર બનાવવામાં યા અન્ય રીતે સાનુકૂળ ઉપયોગ કરવાની નીતિ બનાવી છે. આ નીતિ અંતર્ગત અહીંની નવસારી નગરપાલિકાએ પણ ગત પાંચમી જૂનને પર્યાવરણ દિને શહેરમાં સૂકો-ભીનો કચરો અલગ મેળવવાની જાહેરાત કરી હતી. આ દિવસે નગરપાલિકા હાઈસ્કૂલમાં યોજાયેલા એક સમારોહમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ મેળવવા તાબડતોડ કેટલાક ભૂરા અને લીલા ડસ્ટબીન કેટલાક શહેરીજનોને આપ્યા હતા.

ઉક્ત વાતને આજે ત્રણ મહિના વિતી ગયા છે. આજદિન સુધી વાયદો કરાયેલા લીલા-ભૂરા ડસ્ટબીન એકપણ શહેરીજનોને અપાઈ નથી. હજુ પણ પાલિકા સૂકો-ભીનો કચરો એક સાથે જ મેળવે છે અને કચરાનું વર્ગીકરણ થયું નથી. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સરકારે કચરાના પ્રોજેકટના વર્ગીકરણ માટે 10 સપ્ટેમ્બરની મુદત નિર્ધારિત કરી હતી પરંતુ હજુ નવસારીમાં કોઈ જ ઠેકાણા નથી. આ અંગે નવસારી પાલિકાના ચીફ ઓફિસર રમેશ જોષીએ જણાવ્યું કે કચરો લેવાના ડસ્ટબીનો ખરીદવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયામાં વધુ વખત લાગ્યો છે અને વિલંબ થયો છે. આગામી બીજી ઓકટોબર પહેલા ડસ્ટબીનો અપાઈ જશે.

હોર્ડિગ્સ મુકાયા પણ લોકોને ડસ્ટબીન અપાયા નથી
નવસારી પાલિકાએ ત્રણ મહિનાથી ય વધુ સમયથી કચરાના વર્ગીકરણ માટે શહેરીજનોને માહિતી આપતા મોટા હોર્ડિંગ્સ શહેરભરમાં લગાવ્યા છે. આ હોર્ડિગ્સમાં શહેરીજનોને સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવા માટે તથા સૂકો કચરો ભૂરા ડસ્ટબીનમાં અને ભીનો કચરો લીલા ડસ્ટબીનમાં આપવાનું કહેવાય રહ્યું છે. લોકો આ જાહેરાત તો વાંચે છે પરંતુ લીલા અને ભૂરા ડસ્ટબીનો અલગ અલગ કચરા માટે છે ક્યાં પાલિકા હજુ આ ડસ્ટબીનો આપી શકી નથી.