28 September 2017

GST સેન્ટ્રલ કમિટી સમક્ષ સમસ્યાઓની રજૂઆત


નવસારી પંથકના વેપારીઓ, ઉદ્યોગપતિઓ જીએસટીના કાયદા અંગે અનેક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. આજે બુધવારે નવસારીની મુલાકાતે આવેલી જીએસટીની સેન્ટ્રલ કમિટીની ટીમ સમક્ષ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ તથા જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટોએ ઉક્ત રજૂઆતો કરી હતી.

1લી જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટીનો નવો કાયદો અમલી બન્યો છે. કાયદો અમલી બન્યો ત્યારથી વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટોને કાયદા સંલગ્ન અનેક સમસ્યા સતાવી રહી છે. નવસારી પણ તેમાંથી બાકાત રહ્યું નથી. અહીં પણ વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટો જીએસટીની કેટલીક મુશ્કેલીઓથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ મુશ્કેલીઓ જોતા રજિસ્ટ્રેશનની કામગીરીમાં રજિસ્ટ્રેશન માટેના દસ્તાવેજો અપલોડ કરતી વખતે ઓછી સ્પેશ વેબસાઈટ પર આપવામાં આવે છે જેના લીધે ફોર્મ અપલોડ કરવામાં મુશ્કેલી પડે છે.

ડિપાર્ટમેન્ટ દ્વારા વેટ નંબર રદ કરવામાં આવેલ અને તે નંબર રિસ્ટોર કરાવવા છતાં જીએસટી કાયદા હેઠળ માયગ્રેશન થતું નથી. 20 લાખથી ઓછા ટર્નઓવર ધરાવતા વેપારીઓ જીએસટી નંબર રદ કરાવવા માગે છે પરંતુ આ નંબર રદ કરાવવા માટેની જીએસટી વેબસાઈટ પર ફેસિલિટી આપવામાં આવેલી નથી. Core-Filed સુધારા વધારા કરવાની કોઈ પદ્ધતિ રાખી નહીં હોય દરેક સુધારા વધારા માટેની વેપારીને ઘણી તકલીફ થાય છે.

જીએસટી કાયદા હેઠળના પત્રકો ભરવા માટેની સમયમર્યાદા ઘણી ટૂંકી હોવાથી વેપારી મહેતાજી, ટેક્સ કન્સલ્ટન્ટોન કામમાં બોજો વધારે છે. જૂના કાયદા હેઠળની 30મી જૂન 2017ના સ્ટોકમાં સમાવિષ્ટ મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટ માટે ટ્રાન્સ-1 અને ટ્રાન્સ-2 ભરવાના છે. જેમાં આ પત્રકો ફાઈલ કરતી વખતે ઘણી બધી ખામીઓ આવે છે. જે વેપારીઓએ 75 લાખ સુધી ટર્નઓવર માટે લમસમનો વિકલ્પ પસંદ કરી નંબર-નોંધણી કરાવેલી છે જેઓને આ વિકલ્પના સ્થાને નિયમિત ટેક્સ ભરવાનો વિકલ્પ પસંદ કરવો હોય તો તે અંગે કાયદામાં જોગવાઈઓ છતાં ફેરફાર પોર્ટલ દ્વારા થઈ શકતો નથી.

જીએસટી 1લી જુલાઈથી અમલમાં આવ્યું છે અને વેપારીઓ, ઉદ્યોગપતિઓ વગેરે નોંધણી કરાવી નિયમિત પત્રકો અને વેરો ભરવા માગે છે પરંતુ સિસ્ટમની નિષ્ફળતાઓને કારણે તેઓ નિયમિત પત્રકો કે વેરો ભરી શકતા નથી. આ ઉપરાંત પણ બ્રાંડેડ ખાદ્યપદાર્થોની બાબતમાં, રેડીમેઈડ તથા ફૂટવેરની બાબતમાં, બાયોફર્ટિલાઈઝરની બાબતમાં જીએસટીની મુશ્કેલીઓ જોવા મળી રહી છે.

આ જીએસટીની મુશ્કેલી સંદર્ભે આજે બુધવારે નવસારીની મુલાકાતે આવેલી જીએસટીની સેન્ટ્રલ કમિટીના આસિસ્ટન્ટ કમિશ્નર અમદાવાદના રમેશ ગુપ્તા, ડેપ્યુટી કમિશ્નર સુરત પી.એમ. દેસાઈ અને આસિસ્ટન્ટ કમિશ્નર નવસારી એન.એચ. પાંડોર વગેરે સાથે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ, પૌઆ મિલ એસોસિએશન, સીએ એસોસિએશન, ટેક્સ કન્સલ્ટન્ટો વગેરેએ ભાગ લીધો હતો. રૂબરૂ ચર્ચા તો થઈ સાથે પ્રશ્નોની લેખિત રજૂઆત પણ થઈ હતી. જેમાં ચેમ્બર પ્રમુખ પ્રદીપ જૈન, માજી પ્રમુખ ઓમપ્રકાશ અગ્રવાલ, વસંત બોરદીયા, ગિરીશ ગાંધી, સીએ વિનોદ દેસાઈ સહિત વેપારીઓએ પણ ભાગ લીધો હતો.

પૌઆ અને ક્વોરી ઉદ્યોગ અંગે પશ્રો પૂછાયા
સેન્ટ્રલ કમિટી સમક્ષ અનેક મુદ્દે રજૂઆતો થઈ જેમાં ખાસ કરીને પૌઆ મિલ, રેડિમેઈડ, ફૂટવેર, કવોરી-સિમેન્ટ ઉદ્યોગના પ્રશ્નો પણ હતા. જીએસટી કમિટીના સભ્યોએ રસપૂર્વક રજૂઆતો સાંભળી હતી. *વિનોદ દેસાઈ, સીએ