17 September 2017

નવસારીમાં વરસાદે મોસમની અડધી સદી ફટકારી


શનિવારે બપોરના સમયે અચાનક જ ધોધમાર વરસાદ પડતા નવસારીમાં પાણી રેલાઈ ગયું હતું. એક કલાકમાં એક ઈંચ પાણી પડી ગયું હતું. આજના વરસાદ સાથે નવસારીમાં વરસાદે અડધી સદી (50 ઈંચ) ફટકારી દીધી હતી.નવસારી શહેરમાં આજે શનિવારે વહેલી સવારે ઉઘાડ હતો. સવારે 10થી 12 વાગ્યા દરમિયાન સાધારણ વરસાદ પડ્યો હતો.

વરસાદ બંધ થતા બફારાભર્યું વાતાવરણ સર્જાયુ હતું. જોકે બપોરે લગભગ સવા એક વાગ્યા બાદ અચાનક જ વાતાવરણ પલટાયું હતું. આકાશમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ કડાકાભડાકા શરૂ થઈ ગયા હતા. ગર્જના સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લગભગ એક કલાક વરસાદ વરસતો રહ્યો હતો. વરસાદને કારણે નવસારી શહેરમા અનેક જગ્યાએ માર્ગો તથા રહેણાંક વિસ્તારમાં પાણી જમા થઈ ગયું હતું.


નવસારી શહેરમાં બધી જ જગ્યાએ એકસરખો વરસાદ પડ્યો ન હતો. પશ્ચિમ વિભાગ કરતા પૂર્વ બાજુ તથા નજીકના ગામડામાં વધુ વરસાદ પડ્યો હતો. એકાએક તૂટી પડેલા વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થઈ ગયું હતું.

બપોરે સવા બે વાગ્યા બાદ વરસાદની ગતિ ધીમી થઈ બંધ થયો હતો. બપોરના સમયે પડેલા એક ઈંચ વરસાદ સાથે દિવસમાં સાંજે 4 વાગ્યા સુધીમાં સવા ઈંચ (30 મિ.મિ.) વરસાદ નોંધાયો હતો. આજના વરસાદથી નવસારીમાં મોસમના કુલ વરસાદે અડધી સદી ફટકારી દીધી હતી. આજે કુલ વરસાદ 1263 મિ.મિ. (50 ઈંચ) થઈ ગયો હતો.


વિજલપોરમાં કડાકાભડાકા પણ માત્ર વરસાદી છાંટા જ
જ્યાં નવસારીમાં બપોરના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો તો નવસારીને અડીને આવેલા વિજલપોરમાં પણ આ સમયે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. બપોરના સમયે વિજલપોરમાં (ખાસ કરીને પશ્ચિમમાં) વાદળછાયુ વાતાવરણ સર્જાઈ કડાકાભડાકા શરૂ થયા હતા.

લગભગ અડધો કલાક અહીં લોકોએ સાંભળ્યા હતા અને ધોધમાર વરસાદ પડવાની આશા રાખી હતી પરંતુ એમ થયું ન હતું. વિજલપોરમં બપોરે ધોધમાર વરસાદ પડ્યો ન હતો અને માંડ છાંટણા જ થયા હતા. જોકે સવારે 7 મિ.મિ. વરસાદ જરૂર પડ્યો હતો.

નવસારી જિલ્લાનો મોસમનો વરસાદ