26 September 2017

વિજલપોર કોંગ્રેસની મોંઘવારી વિરુદ્ધ રેલી


વિજલપોરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના આશાપુરી મંદિરથી રામનગર સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી મુદ્દે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર સામે ભીંસ વધારી દઈ તેને બાનમાં લેવાનો પ્રયાસ કરી ઉગ્ર દેખાવો કરાઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી મોટાપાયે ઠેર ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે. નવસારીમાં પણ વિજલપોર ખાતે નવસારી જિલ્લા પ્રમુખ ધર્મેશ પટેલની આગેવાનીમાં મહારેલીનું આયોજન કરી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. આશાપુરી મંદિરથી રામનગર સુધી નીકળેલી રેલીમાં વિજલપોર શહેર કોંગ્રેસ પ્રમુખ જગમલ દેસાઈ, જલાલપોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીતુભાઈ પટેલ ઉપરાંત મુન્નાભાઈ પાંચાલ, ભરતભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, પરિમલ પટેલ, અશોકભાઈ પટેલ, મહિલા પ્રમુખ મીનાબેન માંગલે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની હાય હાય બોલાવી પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારો ઘટાડવા માગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિજલપોર શહેર કોંગ્રેસના મોટા માથાઓમાં એકરાગીતા આવવાને કારણે આગામી સમયમાં યોજાનાર 174- જલાલપોર વિધાનસભાની ચૂંટણીને લઈને પણ કોંગ્રેસીઓમાં ભારે ઉત્સાહ જોવી મળી રહ્યો છે. મોંઘવારી મુદ્દે લોકજાગૃતિ લાવવા અને ભાજપ સરકાર મોંઘવારી નાથવામાં સદંતર નિષ્ફળ રહ્યાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.