1 September 2017

નવસારીમાં મહિલા પ્રસૂતિ અર્થે ગયા બાદ મોત થતાં ચકચાર


નવસારીની જાણીતી આનંદ હોસ્પિટલમાં પ્રસુતિ માટે ગયેલી મહિલાનું ખેંચ આવતા મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે એરૂના જીનલપાર્કમાં રહેતા ટંડેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પરિવારજનોએ તેના મૃત્યુ અંગે આશંકા વ્યક્ત કરતા તેનું સુરત હોસ્પિટલમાં પેનલ ડોકટર દ્વારા પીએમ કરાવાયું હતું. આ ઘટના અંગે ટાઉન પોલીસમાં નોંધ કરવામાં આવી છે. એરૂ ચાર રસ્તા સ્થિત જીનલ પાર્ક સોસાયટીમાં રહેતા ટંડેલ પરિવાના સ્વપ્ન રોળાય ગયું હતું. ઘરમાં માતમ છવાઈ ગયો હતો.

પેનલ ડોકટરની ટીમ દ્વારા પીએમ કરાયું
30મી ઓગસ્ટે સવારે બાઈક ઉપર બેસી ધર્મિષ્ઠાબેન શિશિરભાઈ ટંડેલ (33) પ્રસુતિ માટે આનંદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. નોર્મલ ડિલિવરી અંગે ડોકટર સાથે ચર્ચા કરાયા બાદ તેમને દાખલ કરાયા હતા પરંતુ સાંજે અચાનક જ ધર્મિષ્ઠબેનની તબિયત લથડી હતી. તેમને ખેંચ આવતા નવમાસનું છોકરાનું પેટમાં જ મોત નીપજ્યું હતું. ધર્મિષ્ઠાબેનને વધુ સારવાર અર્થે પતિ શિશિર ટંડેલ અને હોસ્પિટલના ડો. પ્રિયંકભાઈ ગાંધી સાથે એમ્બ્યુલન્સમાં વેન્ટીલેટર ઉપર તાત્કાલિક નજીકની ઓરેંજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ રાત્રે 8.30 કલાકની આસપાસ સારવાર દરમિયાન ધર્મિષ્ઠાબેનનું મોત નીપજ્યું હતું. અચાનક જ ધર્મિષ્ઠાબેનના મૃત્યુ થતાં ટંડેલ પરિવાર માટે આ ઘટના આઘાતજનક બની રહી હતી.


ટંડેલ પરિવારે આનંદ હોસ્પિટલના ડોકટરો સામે બળાપો ઠાલવ્યો હતો અને ધર્મિષ્ઠાબેનના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ બાબતે બેદરકારીના આક્ષેપો કર્યા હતા. મૃતકના પરિવારજનોએ નવસારીમાં પીએમ કરવા સામે આશંકા વ્યક્ત કરતા આખરે સુરત સિવિલમાં પેનલ ડોકટરની ટીમ દ્વારા પીએમ કરાવાયું હતું. આ ઘટના અંગે નવસારી ટાઉન પોલીસ મથકમાં ડો. એકતાબેને જાણ કરતા પોલીસે તેની અકસ્માત મોતની નોંધ લઈ વધુ તપાસ જમાદાર અરવિંદભાઈએ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ધર્મિષ્ઠાના પતિ શિશિર ટંડેલ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. ધર્મિષ્ઠાબેન સાથેનો તેમનો લગ્નગાળો 11 વર્ષનો છે. તેમને સંતાનમાં એક બેબી હોવાની માહિતી સાંપડી છે.