9 September 2017

નવસારી ખાતે ખેલમહાકુંભમાં મહિલા કુસ્તી સ્પર્ધા


નવસારી જિલ્લાના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાઇ રહેલા ખેલ મહાકુંભમાં ભાઇઓ સાથે બહેનોને પણ રમતગમતક્ષેત્રે આગળ લાવવા પ્રયાસ હાથ ધરાયો છે.

નવસારી ટાટા હાઇસ્કુલ ખાતે જિલ્લાકક્ષાની બહેનોની કુસ્તી સ્પર્ધા યોજાઇ હતી. મહિલા કુસ્તી સ્પર્ધામાં અંડર-17માં 37 અને એબોવ-17માં 25 જેટલી વિવિધ શાળાની દીકરીઓએ કુસ્તીના દાવપેચ લગાવી હમ કિસીસે કમ નહીં ના સુત્રને સાર્થક કરી બતાવ્યું હતું

કુસ્તી સ્પર્ધાના કન્વિનર અને ટાટા હાઇસ્કૂલના આચાર્ય બોમી જાગીરદારે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં રમતગમતક્ષેત્રે પહેલા ભાઇઓને સ્થાન મળતું હતું પરંતુ આજે બહેનો પણ તમામક્ષેત્રે આગળ વધી રહી છે. એમાં પણ જિલ્લાની અનેક યુવતીઓ કુસ્તીની સ્પર્ધામાં ઝંપલાવી મહિલા સશકિતકરણની દિશામાં પગલાં ભરી રહી છે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં કુલ 62 જેટલી દીકરીઓ આગળ વધી ભાગ લીધો છે. તેઓ પોતાના સ્વરક્ષણક્ષેત્રે પણ અન્ય કિશોરીઓને પ્રેરણા પુરી પાડી રહી છે. અહીંથી વિજેતા થનાર દીકરીઓ રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દેવગઢ બારીયા ખાતે જઇ સ્પર્ધામાં ભાગ લેશે. નવસારી જિલ્લામાં જુડો, ટેકવિન્ડો અને કુસ્તી જેવા ક્ષેત્રોમાં પણ દિકરીઓ આગળ વધી રહી છે. વિજેતા તમામને શુભેચ્છા પઠવી હતી.

બહેનોની કુસ્તી સ્પર્ધામાં સહ કન્વિનર ફરેદુન મીરઝા, ઓફિસર મજબાન પાત્રાવાલા, ચીફકોચ હસમુખ સોલંકી, અભિષેક સોલંકી, અમિત કલસરીયા, રાજેશ પટેલ, મુકેશ રાઠોડ, સંજય પટેલે સેવા આપી હતી.