30 October 2017

નવસારી જિલ્લામાં 108નાં કર્મચારીઓમાં માફીપત્ર અંગે અવઢવ


નવસારી જિલ્લામાં ફરજ બજાવતા 108 એમ્બ્યુલન્સના સેવાનાં કર્મચારીઓ હડતાલ બાદ ફરજ ઉપર પુન: લાગી તો ગયા છે પરંતુ કંપની દ્વારા માફીપત્ર ઉપર સહી કરવાને લઇ હજુ કર્મચારીઓમાં અવઢવની સ્થિતિ છે.

ગુજરાત સરકારની જે સેવાઓએ લોકોમાં દાદ અને વાહવાહ મેળવી છે તે સેવાઓમાંની એક 108 એમ્બ્યુલન્સ સેવા છે. જોકે નવસારી જિલ્લામાં પણ સેવામાં ફરજ બજાવતા કેટલાય કર્મચારીઓ તા.7.10.2017 નાં રોજથી હડતાલ ઉપર ઉતરી જતાં સેવાને અસર થઇ હતી. હડતાલ ઉપર ઉતરનારા કર્મચારીઓની મુખ્ય માંગ પગારધારાની હતી.

હડતાલ ઉપર જનારા કર્મચારીઓનાં કહેવા મુજબ તેઓની માંગ વ્યાજબી છે અને તે સ્વીકારાતા હડતાલ ઉપર જવું પડ્યું છે. કર્મચારીઓની હડતાલને કારણે 108 સેવાને અસર થયાનું કર્મચારીઓનાં સૂત્રો જણાવે છે. બીજી તરફ 108 સેવાનાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું કે પહેલાથી 50 ટકા કર્મચારીઓ તો હડતાળ ઉપર ગયા હતા. બાકીના કેટલાક કર્મચારીઓ પણ ક્રમશ: ફરજ ઉપર આવી ગયા હતા. કેટલાક કર્મચારીઓ હડતાળ ઉપર હતા. તેની જગ્યાએ અન્ય સરકારી કર્મચારીઓને લેવાતા 108 સેવા ઉપર ખાસ અસર થઇ હતી.

જે કર્મચારીઓ હડતાળ ઉપર હતા તેઓએ પણ ફરજ ઉપર આવી જવાની સંમતિ આપી છે. કર્મચારીઓની હડતાળ તો સમેટાઇ પરંતુ કંપની દ્વારા કર્મચારીઓ પાસે માફીપત્ર આપી તેના ઉપર સહી કરાવવાની માંગ કરાઇ છે તેને લઇ ઘણા કર્મચારી અવઢવમાં મૂકાયા છે.કર્મચારીઓનો એક વર્ગ કહે છે કે, માફીપત્ર ઉપર સહી લઇ કંપની કર્મચારીઓનાં હાથ કાંડા કાપી લેવા માંગે છે.બીજી તરફ 108 સેવાનાં અધિકારી અભિષેક ઠાકોર જણાવે છે કે, અવારનવારની હડતાલને લઇ ખૂબ જરૂરી સેવાને સતત કાર્યરત રાખવા માફીપત્ર જરૂરી બન્યું છે.

બીજી તરફ કંપનીએ હડતાળ ઉપર રહેલ 108 સેવાનાં બે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં વાંસદાના જગદીશ બળગુજર અને નવસારીના ઉમેશ પટેલનો સમાવેશ થાય છે.