19 October 2017

નવસારીમાં દેશી પિસ્તોલ અને છ કારતૂસ સાથે બે ઝડપાયા


નવસારી એસઓજી (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે ટાંકલ નજીકથી બે જણાને દેશી બનાવટની પિસ્તોલ તથા 6 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કુલ રૂ.93,490 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર હોવાની શક્યતાને જોતા તેમજ હાલમાં દિવાળીનાં તહેવારને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જરૂરી તકેદારી રાખવા નવસારી જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ પંડ્યાએ ગેરકાયદે હથિયારો તથા ગંભીર પ્રકારના ગુના શોધી કાઢવા નવસારી એસઓજી પીઆઇ એ.એસ.પાટીલને સુચના આપી હતી જેના આધારે એસઓજી પીઆઇ તથા તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

પીઆઇ પાટીલને બાતમી મળી હતી કે હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.નં. જીજે-05 એમજી-2554 ઉપર બે જણા વલસાડથી નીકળી ચીખલીથી અંદરના રસ્તે ટાંકલ તરફ જનાર છે. તેમની પાસે ગેરકાયદે લાયસન્સ પરવાના વગરની પિસ્તોલ છે એ બાતમીનાં આધારે એસઓજીની ટીમે ટાંકલ ગામની હદમાં દૂધ મંડળી પાસે નાકાબંધી કરી હતી.

એ દરમિયાન બાઇક ઉપર પપ્પુ ઉમેશ કુર્મી પટેલ (ઉ.વ.31) (હાલ રહે. પાંડેસરા, સુરત,મૂળ બિહાર) તથા રાજેન્દ્ર ઉર્ફે રાજુ પ્રતાપસિંહ ઠાકુર (ઉ.વ.41) (દિલ્હીગેટ સુરત, હાલ રહે.ઇન્દોર, એમપી) આવી પહોંચતા પોલીસે તેમને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. 25 હજારની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ, રૂ.600ની કિંમતના જીવતા 6 નંગ કારતૂસ તથા રૂ.15,000 ની કિંમતનાં ત્રણ મોબાઇલ અને રોકડા રૂ.2890, રૂ.50 હજારનું સ્પ્લેન્ડર મળી કુલ 93,490 નો મુદ્દામાલ પકડી પાડ્યું હતુ.

પપ્પુ અને રાજેન્દ્રભાઇની પુછતાછ કરતા તેમણે આ પિસ્તોલ અને કાર્ટિસ સુરતના ઓમકારસિંગ રામસિંગ સીખલીગર પાસેથી લાવેલા હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો, જ્યારે દેશી બનાવટની પિસ્તોલ તથા કાર્ટિસ સાથે ઝડપાયેલા બંને શખ્સ સામે શસ્ત્ર અધિનિયમ હેઠળ ચીખલી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેની વધુ તપાસ એસઓજી પિઆઇ એ.એસ.પાટીલ કરી રહ્યા છે.